/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/0.jpg)
ટ્રાન્સપોર્ટર કંપનીએ ટ્રેલરના ચાલક સામે નોંધાવી ફરીયાદ
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી ૧.૨૫કરોડ રૂપિયાની કિમંતની ૨૫ ટન કોપર કેથોડની પ્લેટોભરી જયપુરની એરેન કોપર કંપનીમાં જઇ રહેલું ટ્રેલર રસ્તામાં ગુમ થઇ ગયું છે. ૩૦ તારીખ પછી ડ્રાયવરનો પણ કોઇ સંપર્ક નહી થતાં જોધપુર ટ્રાન્સપોર્ટ કંપનીએ ડ્રાયવર વિરૂધ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના લાંબા ગામના વતની અને અને હાલ અંકલેશ્વરના માંડવા ગામે રહેતા મનોહરસિંહ બાબુલાલ બિસ્નોઈ જોધપુર રોડ કેરિયરના નામથી ટ્રાન્સપોર્ટ ચલાવે છે. ગત તા. ૨૫મી જુનના રોજ રમન રોડવેઝના સંજયસીંગ રાજપૂતએ ઝઘડીયા જીઆઇડીસીની હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી કોપરની પ્લેટો ભરી જયપુરની એરન કોપર કંપની ખાતે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો હતો. જોધપુર રોડ કેરિયરના ટ્રેલર ચાલક મોહનરામ નારાયણરામ પ્રજાપતી તા.૨૬મીના રોજ હિન્દુસ્તાન કોપર કંપનીમાંથી કોપર કેથોડની ૧.૨૫ કરોડ રૂપિયાની કિમંતની ૨૫ ટન વજનની પ્લેટો ભરી ઝઘડીયાથી ટ્રેલર લઈ જયપુર જવા રવાના થયો હતો.
ગત તા. ૨૮મીના રોજ ડ્રાયવરનો જોધપુર રોડ કેરિયરના મનોહરસિંહ પર ફોન આવ્યો હતો કે હું રાજસ્થાન પહોંચી ગયો છું અને મારી પાસે પૈસા નથી જેથી ટ્રાન્સપોર્ટરે તેના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતાં. ૩૦મી તારીખે ટ્રાન્સપોર્ટર સંજયસીંગ રાજપૂતનો મનોહરસિંહ બિસ્નોઈ પર ફોન આવ્યો હતો કે, ટ્રેલર હજી સુધી અરેન કોપર કંપનીમાં પહોંચ્યું નથી. તેમણે ટ્રેલર ચાલક મોહનરામ પ્રજાપતિને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો. કોપર ભરી નીકળેલ ટ્રેલરનો આજદિન સુધી કોઈ પત્તો નહિ લાગતા તેમણે ટ્રેલર ચાલક વિરૂધ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ટ્રેલર તથા ડ્રાયવરની શોધખોળ આરંભી છે.