કોરોના વાયરસના કહેર વચ્ચે સામાન્ય અને મધ્યમવર્ગ મોંઘવારીની વચ્ચે પિસાઇ રહયો છે ત્યારે હવે વડોદરા- અમદાવાદ એકસપ્રેસ વેના ટોલ ટેકસમાં વધારો કરવામાં આવતાં મુસાફરી મોંઘી બનશે. પહેલી એપ્રિલથી નવા ટોલ અમલમાં આવી ગયાં છે ત્યારે અમારા વિશેષ બુલેટીન ટોલનો ટકોરો, મોંઘી બની મુસાફરીમાં આપ સૌનું સ્વાગત છે.
વડોદરા અને અમદાવાદ વચ્ચે મુસાફરી સરળ બને તે માટે એકસપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જુના નેશનલ હાઇવેનું પણ નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે પહેલી એપ્રિલના રોજ વડોદરા અને અમદાવાદને જોડતાં એકસપ્રેસ હાઇવેના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો કારચાલકો પાસેથી 110 રૂપિયા, એલસીવી પાસેથી 180 રૂપિયા, ટ્રક અને બસ પાસેથી 380 રૂપિયા, મલ્ટીએકસેલ વાહનો પાસેથી 410 રૂપિયા અને 595 રૂપિયા અને ઓવરસાઇઝ વાહનો પાસેથી 720 રૂપિયાનો ટોલ લેવામાં આવે છે. હવે જોઇશું જુના ભાવ અને નવા ભાવમાં કેટલો તફાવત છે...
વડોદરા અને અમદાવાદ એકસપ્રેસ વે ઉપરથી વાહન લઇને પસાર થવા માટે 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર એક જ વર્ષમાં ટોલ ટેકસમાં વધારો કરવામાં આવ્યો છે. એક તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહયાં છે તેવામાં હવે ટોલ વધારાએ દસ્તક દેતાં મુસાફરી મોંઘી બને તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.
નેશનલ હાઇવે ઓથોરીટીએ તાજેતરમાં જુના નેશનલ હાઇવેનું પણ નવીનીકરણ કરી તેને સીકસલેન બનાવી દીધો છે. આ રોડ પર અનેક જગ્યાએ ટોલ નાકા બનાવી વાહનચાલકો પાસેથી ટોલ વસુલવામાં આવે છે. હાલમાં વાસદ ટોલ નાકા પર કાર,જીપ અને વાન પાસેથી 125 રૂપિયા, મીનીબસ પાસેથી 195 રૂપિયા, બસ અને ટ્રક પાસેથી 400 રૂપિયા, થ્રી એકસેલ વાહનો પાસેથી 435 રૂપિયા અને ચારથી છ એકસેલ વાહનો પાસેથી 610 રૂપિયા ટોલ લેવામાં આવે છે. આ હાઇવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે. વાસદ ખાતે આવેલા ટોલપ્લાઝા ખાતે કાર, જીપ અને વાનના દરમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે ટોલપ્લાઝાથી 20 કીલોમીટરની અંદર રહેતાં વાહનચાલકોએ અને જેમનું વાહન બિનધંધાકીય હશે તેમણે માસિક 345 રૂપિયાનો પાસ લેવો પડશે.
વડોદરા- અમદાવાદ રીંગ રોડ પર આવેલા ટોલનાકા ખાતે પણ ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જોઇએ અહીં કેટલો વધારો થયો છે.
વડોદરા અમદાવાદ રીંગ રોડ પર હાલ કારચાલકોએ 105 રૂપિયા, એલસીવી ચાલકોએ 175 રૂપિયા, ટ્રક અને બસના ચાલકોએ 365 રૂપિયા, મલ્ટી એકસેલ વાહનોના ચાલકોએ 395, ડબલ મલ્ટી એકસેલ વાહનચાલકોએ 570 રૂપિયા અને ઓવરસાઇઝ વાહનોના ચાલકોએ 690 રૂપિયાનો ટોલ ભરવો પડતો હોય છે. આ ટોલના દરોમાં પણ હવે વધારો કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ અને વડોદરા વચ્ચે ટોલના ભાવમાં વધારો થઇ ચુકયો છે પણ હજી ભરૂચ અને કરજણ વચ્ચે ભરથાણા પાસે આવેલાં ટોલ નાકા ખાતે ભાવ વધારો કરાયો નથી...
ભરૂચ અને વડોદરા વચ્ચે ભરથાણા ગામ પાસે ટોલનાકુ બનાવવામાં આવ્યું છે.આ ટોલનાકાનો કોન્ટ્રાકટ પણ આઇઆરબી કંપની પાસે છે. આ કંપની તરફથી એકસપ્રસ વે તથા સુપર નેશનલ હાઇવેના ટોલમાં પહેલી એપ્રિલના રોજથી ટોલમાં વધારો કરવામાં આવે છે પણ ભરથાણા ખાતે જુલાઇ માસમાં ટોલ વધારો કરવામાં આવે છે.
મોંઘવારીના મારની વચ્ચે ગુજરાતની પ્રજાના માથે ટોલ ટેકસનું 3 કરોડ રૂપિયા ઉપરાંતનું ભારણ આવી પડશે...
વડોદરા અને અમદાવાદને જોડતાં એકસપ્રેસ હાઇવેની વાત કરવામાં આવે તો સુપર એકસપ્રેસ હાઇવે પર ટોલના દર વધારે હોવાથી હવે ભારદારી વાહનો પણ એકસપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહયાં છે જેના કારણે એકસપ્રેસ વે પર વર્ષે 100 કરોડ રૂપિયાની આવક થાય છે. અમદાવાદ અને વડોદરાને જોડતાં એકસપ્રેસ વે પરથી રોજના 4 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે. નવા ટોલના દરોના કારણે વાહનચાલકોને 3 કરોડ રૂપિયા ઉપરાંતનું ભારણ પડશે.
સાંપ્રત સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ધરધમ વધારો થયો છે જેના કારણે જીવન જરૂરીયાતની વસ્તુઓનું પરિવહન મોંઘું થતાં મોંઘવારી વધી છે. હવે ટોલટેકસમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટરો આ ટેકસની રકમની વસુલાત માલસામાન મોકલનારાઓ પાસેથી વસુલશે જેના કારણે પરિવહન વધારે મોંધું થતાં જીવન જરૂરીયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થશે. આ ઉપરાંત એસટી તથા ખાનગી વાહનોમાં પણ મુસાફરી મોંઘી બની જશે. કોરોનાના કહેર વચ્ચે જન જીવનની ગાડી માંડ પાટા પર આવી છે તેવામાં હવે ટોલટેકસ વાહનચાલકોની કમર તોડી નાંખશે..
વર્તમાન સમયમાં સામાન્ય માણસ પણ હવે ફોરવ્હીલ લઇને ફરતો થઇ ગયો છે તે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના ભારણ નીચે દબાયો છે તેવામાં ટોલમાં વધારો થતાં તેઓ ફરી ખાનગી વાહનોમાં મુસાફરી કરે અથવા ટુ વ્હીલર વાહનો તરફ વળે તેવી સંભાવના છે. ગરીબ અને મધ્યમવર્ગ મોંઘવારીમાં પિસાઇ રહયો છે ત્યારે સરકારે ટેકસ વધારતાં પહેલાં સામાન્ય અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખવો જોઇએ તો જ સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસનું સુત્ર સાર્થક થશે નહિ તો અમીરો અમીર બનતાં જશે અને ગરીબો ગરીબીની ખાઇમાં ડુબી જશે..