/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/02-3.jpg)
સફેદ કલરના ખુલ્લા ટેમ્પામાંથી એક્સપાયરી ડેટની દવાઓના જથ્થાને મેશરી નદીના પટમાં જાહેર ખુલ્લામાં ફેંકી દેવાતા ગોધરા શહેર અને જિલ્લા વહિવટીતંત્રમાં ભારે દોડધામ મચી : જથ્થાને એકત્ર કરી સીઝ કર્યો.
આ જથ્થો પ્રતિક એજન્સીનો હોવાના સ્વીકાર સાથે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ગોધરા મેશરી નદીના પુલ ઉપર થી એકસપાયરી ડેટના જંગી જથ્થો એમાં મુખ્યત્વે લેન્ટીકા - બીએમ નામના કફ સીરપની ઢગલાબંધ બોટલો નદીના પટમાં ઠાલવવાના ચોકાવનારા પ્રકરણમાં ગોધરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સના સત્તાવાળાઓ મેશરી નદીના પુલ ઉપર દોડી આવ્યા હતા અને ગભરાટમાં જાહેર હાઈવે ઉપર વેરાયેલા આ એક્સપાયરી ડેટની દવાઓના જથ્થા સહીત હિસાબ કિતાબોના ચોપડાઓ બીલો વિ . મહત્વના દસ્તાવેજી પુરાવાઓ પણ એકત્ર કર્યા છે.
ગોધરા મેશરી નદીનો પુલ સતત વ્યસ્ત હોવા છતા પણ અને આજ બપોરના ૨૪૯૫ નંબરના ખુલ્લા ટેમ્પામાં લાવવામાં આવેલા એક્સપાયરી ડેટના દવાના જથ્થાના કાર્ટુનો ટેમ્પા ચાલકે જાહેરમાં નદીના પટમાં પુલ ઉપરથી નાખી રહ્યો હતો.આ દ્રશ્ય જોઈને એકત્ર થયેલા વાહન ચાલકો થંભી જતા આ ગભરાયેલ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો . પરંતુ મેશરી નદીના જાહેર માર્ગ ઉપર આ દવાની બોટલોનો જથ્થો વેર - વિખેર હાલતોમાં નીચે પડી ગયો હતો . ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદાઓના ચૂસ્ત આદેશો એવુ કહે છે કે દવાઓ એક્સપાયરી ડેટની થઈ જાય તો આ દવાઓને જે તે ઉત્પાદક કંપનીઓને હિસાબ - કિતાબ સાથે પરત કરવાની હોય છે .અગર તો મેડીકલ પેસ્ટ સાથે નાશ કરવાની સૂચનાઓ હોય છે. પરંતુ સફેદ કલરના ખુલ્લા ટેમ્પામાંથી એક્સપાયરી ડેટની દવાઓના જથ્થાને નદીના પટના જાહેર ખુલ્લામાં ફેકી દેવાની આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેર અને જિલ્લા વહિવટી તંત્રમાં ભારે ગંભીર ચર્ચાઓ ઉભી કરી છે.
એટલા માટે કે પંચમહાલ પોલીસ અધિક્ષક ડો .લીના પાટીલ દ્વારા યુવાધનને કોડીન કફ સીરપના નશામાંથી મુક્ત કરવાના શરૂ થયેલા આ અભિયાનમાં કોડીન ભલે અદ્રશ્ય થઈ ગઈ હોય અગર તો સગેવગે કરી દેવામાં આવી હશે, નશાના બંધાણીઓમાં વિકલ્પ સ્વરૂપમાં લેન્ટીકા બીએમ કફ સીરપનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવવા પામ્યું છે. આ એક્સપાયરી ડેટનો કફ સીરપનો જંગી જથ્થો ગોધરા સ્થિત લાલબાગ સ્ટેન્ડની સામે આવેલ પ્રતિક એજન્સીનો હોવાનું લેબલો સાથે દેખાતું હતું .એટલું જ પર નહિ પ્રતિક એજન્સી દ્વારા મંગાવવામાં આવેલા આ જથ્થાના બીલો, હિસાબોના ચોપડાઓ, સ્ટોક રજીસ્ટર જેવા દસ્તાવેજી પુરાવાઓ પણ નદીના પટમાં નાખી દેવામાં આવ્યા હતા.
કહેવાય છે કે આજ પ્રતિક એજન્સીમાં થોડા દિવસો પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સના ઈન્સ્પેક્ટરો દ્વારા સર્ચ મુલાકાત લેવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે આજરોજ એક્સપાયરી ડેટની આ કફ સીરપની એક હજાર બોટલો તો બિનવારસી હાલતમાં મળી આવી હતી . આના કરતા પણ વધારે જથ્થો લઈને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો . ઘટના સ્થળે દોડી આવેલા ફૂડ ઈન્સ્પેક્ટર મીનાક્ષી સાવલીયાએ આ દવાના જથ્થાને એકત્ર કરીને સીઝ કર્યો છે . આ જથ્થો પ્રતિક એજન્સીનો હોવાના સ્વીકાર સાથે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યું હતું.