દાહોદ શહેરના રેલ્વે કારખાનામાં કામ કરતા રેલ્વે કર્મચારીએ તેના જ સાથી કર્મીને અંગત અદાવતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, ત્યારે રેલ્વે કર્મીની હત્યાના પગલે રેલ્વે તંત્ર સહીત રેલ્વે કારખાના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના પરેલ સાત રસ્તા નજીક આવેલ રેલ્વે કારખાનામાં સેકન્ડ ગ્રેડમાં ડ્રિલર તરીકે ફરજ બજાવતા સરબજીત યાદવની તેના સાથી રેલ કર્મી અને ધોબીઘાટના રહેવાસી પપ્પુ ઉર્ફે ટીટોડી સાથે કોઈક અંગત અદાવતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના પરિણામ સ્વરૂપ પપ્પુ ઉર્ફે ટીટોડીએ રેલ કર્મી સરબજીત યાદવને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી 5થી 6 જેટલાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે મરણજનાર સરબજીતનું પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે આડા સબંધ હોવાથી પપ્પુએ આયોજન પૂર્વક સરબજીતને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે હત્યા કરનાર પપ્પુ પોતે જ પોલિસ મથકે હાજર થઇ ગયો હતો.
રેલ્વે કારખાનામાં ખેલાયેલા ખૂની ખેલની જાણકારી દાહોદ પોલીસને કરાતા નવનિયુક્ત આઇપીએસ શેફાલી બરવાલ, ટાઉન પીઆઈ સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે સમગ્ર હત્યા મામલે માત્ર પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું નહિ પણ કોઈ મોટી રકમની લેવડદેવડ હોવાનું પણ અંતરંગ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જો એ દિશામાં પણ તપાસ હાથ ધરાય તો ચોંકાવનારી હકીકત બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે