દિયોદર તાલુકાના લુદરા ગામે નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગયેલી બે સગીરા પાણીમાં ગરકાવ

New Update
દિયોદર તાલુકાના લુદરા ગામે નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગયેલી બે સગીરા પાણીમાં ગરકાવ

દિયોદર તાલુકાના લુદરા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર ગુરૂવારે બપોરના સમયે શ્રમજીવી પરિવારની બે સગીરા કપડાં ધોવાના માટે ગઇ હતી. જ્યાં પાણીમાં ડૂબી જતા બંનેના કરૂણ મોત નિપજતા દિયોદર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દિયોદર તાલુકાના લુદરા ગામ પાસે રેલવે બ્રિજ પર વર્તમાન સમયે ચાલી રહેલ કામમાં મજૂરી કામ કરી રહેલા શ્રમજીવી પરિવારની બે સગીર વયની દીકરીઓ લક્ષ્મીબેન મકનભાઈ નવલાભાઇ મેડા (આદિવાસી) (ઉં.વ.15,રહે.કોટડાખુર્દ,પોસ્ટ-હિમાલા,તા.જિ.દાહોદ) અને પ્રિયંકાબેન મકનભાઇ મીઠીયાભાઇ ડામોર (આદિવાસી) (ઉં.વ.14, રહે.કોટડાખુર્દ, પોસ્ટ-હિમાલા, તા.જિ.દાહોદ) ગુરુવારે બપોરના સમયે તેમના પરિવારજનોને ટેન્કરે પાણી પડ્યું છે ત્યાં કપડાં ધોવા માટે જઇએ છે તેવું કહીને ગઇ હતી.

સગીરાઓ બાજુમાં પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કપડાં ધોવા માટે ગઇ હતી. આકસ્મિક રીતે પાણીમાં ડૂબી જઈ ગરકાવ થઇ જતા બંને સગીરાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અંગે વિનોદભાઈ રમસુભાઈ મેડા (આદિવાસી) (રહે.કોટડાખુર્દ, પોસ્ટ-હિમાલા,તા.જિ.દાહોદ)એ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં દિયોદર પોલીસે બંને લાશોનું દિયોદર હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશ વાલીવારસોને સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રમજીવી પરિવારની બે સગીર વયની દીકરીઓ લક્ષ્મી અને પ્રિયંકા સાંજે છ વાગ્યા આસપાસ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેમાં લક્ષ્મીની લાશ એકાદ કલાકમાં મળી ગઇ હતી. જ્યારે પ્રિયંકાની લાશને તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાતાં મોડી રાત્રે ત્રણ વાગ્યે હાથ લાગી હતી. આમ અંદાજે નવેક કલાક બાદ પ્રિયંકાની લાશ મળી હતી.

Latest Stories