નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયા આશરે ૬૬ જેટલા શતાયુ મતદારો

New Update
નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયા આશરે ૬૬ જેટલા શતાયુ મતદારો
  • જિલ્લા ચૂંટણીતંત્ર શતાયુ મતદારોની કરશે પૃચ્છા અને લેશે આદરભરી કાળજી
  • ગુલ્દાચામના ૧૦૯ વર્ષીય સુકલીબેન વસાવા પોતે મતદાન કરવાની સાથે તેમનો
  • પરિવાર પણ અચુક મતદાન કરે તેની અંગત કાળજી રાખે છે
  • ગુલવાણી ગામના ૧૦૨ વર્ષીય લાડકીબા તડવીએ ૧૯૫૧ થી આજદિન સુધી યોજાયેલી
  • ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા,લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે
  • આયુષ્યની સદી ફટકાર્યા પછી પણ અણનમ રહેનારા વડીલ-બુઝૂર્ગ મતદારો
  • મતદાનથી અળગા રહેનારા સશક્ત મતદારોને મતદાન માટે ચીંધે છે પ્રેરક રાહ
  • લોકશાહીના આભૂષણ સમાં અને જિલ્લાનાં મતદારો માટે આદર્શરૂપ બની રહેલાં શતાયુ
  • વડીલ-બુઝૂર્ગ મતદારોએ અચૂક મતદાનનાં સંકલ્પ સાથે સૌ કોઇને મતદાન માટે કર્યું છે આહવાન

ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમા સમગ્ર ગુજરાતમા નર્મદા જિલ્લો મોખરે રહ્યો છે આ જિલ્લામાં શતાયુ અને તેથી વધુ વયના જાગૃત મતદારો અને દિવ્યાંગ મતદારોની મતદાન માટેની તત્પરતા અને જાગૃત્તિને લીધે નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારીની વુધ્ધિમાં પણ વિશેષ યોગદાન રહ્યું છે, ત્યારે આગામી તા.૨૩ મી એપ્રિલ ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટે નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આયખાની સદીએ પહોચેલાં તેથી વધુ વયનાં જિંદગીનું અણનમ બેટીંગ કરતાં આશરે ૬૬ જેટલા વડીલ બુઝૂર્ગ મતદારો નોંધાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

આ બા-દાદા સમાન મતદારોની આદરભરી કાળજી લેવાનો અને જે તે વિસ્તારના BLO ના માધ્યમથી આવા મતદારોને મતદાન માટે જરૂરી સહાયરૂપ થકી તેમનું મતદાન સુવિધાપૂર્ણ બનાવી જિલ્લામાં મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલનાં દિશા-નિર્દેશથી જિલ્લા ચૂંટણીતંત્રએ સંકલ્પ કર્યો છે. આમ, જિલ્લાના વડીલ મતદારોની આ દરકાર થકી જિલ્લા ચૂંટણીતંત્ર યુવા મતદારોને તેમનાં નામ મતદાર યાદીમા નોંધાવવામાં આળસ ન કરવાની સાથે વડીલજનોનાં સામાજિક સન્માનનો સંદેશો પણ આપશે.

નર્મદા જિલ્લા ચૂંટણીતત્ર દ્વારા મતદાર યાદીની અદ્યતનીકરણની થયેલી કામગીરી સંદર્ભે તા.૨૫ માર્ચ, ૨૦૧૯ ની સ્થિતી મુજબ જિલ્લાની મતદાર યાદીમા નોંધાયેલા આશરે-૬૬ જેટલા આ શતાયુ મતદારોમાં નાંદોદ વિધાનસભામાં-૨૭ અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં-૩૯ જેટલા મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લાનાં આ ૬૬ શતાયુ મતદાર યાદીના આ શતકબીર વડીલજનોમાં ૩૬ મહિલાઓ અને ૩૦ પુરુષો છે જેનાથી એવો સંદેશો મળે છે કે, સમાજમા માતૃ શક્તિની યોગ્ય કાળજી લેવામા આવે તો “મા” ની મમતા એકથી વધુ પેઢીઓ માણી શકે છે. નાંદોદ તાલુકાના રસેલાના વતની ૧૦૪ વર્ષીય મણીબેન ગેમલસિંહ જાદવ કહે છે કે, તેમના પુત્રની સહાયથી દર વખતે અચૂક મતદાન કરવા જાય છે.

જ્યારે ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના ૧૦૨ વર્ષીય લાડકીબેન નાગજીભાઇ તડવી કહે છે કે, દેશની આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે.

દેડીયાપાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ગુલ્દાચામ ગામના વતની રહેતા ૧૦૯ વર્ષીય સુકલીબેન નવલભાઇ વસાવા તેમનાં નબળાં સ્વાસ્થ્યને લીધે સરળતાથી બોલી શકતા નથી પરતું તેમના દિકરાની વહુ કપિલાબેન વસાવા જણાવે છે કે, તેમની સાસુમાએ દરેક ચૂંટણીઓમાં મતદાન કર્યું જ છે, પરતું તેની સાથોસાથ અમારા સમગ્ર પરિવાર દ્વારા અચુક મતદાન થાય તેની પણ હરહંમેશ તેમણે કાળજી રાખી છે.

તેવી જ રીતે ગાજરગોટા ગામના ૧૦૫ વર્ષીય વડીલ ડુંગરીયાભાઇ પાંચીયાભાઇ વસાવા કહે છે કે, મતદાનના મહાપર્વમાં તેમની મોટી ઉંમર હોવા છતાં પણ મતદાન કરવાનું તેઓ ક્યારેય ચૂક્યા નથી. આમ, વિશ્વની સૌથી મોટી ભારતદેશની લોકશાહીના જતન અને સંવર્ધન માટે જિલ્લાના આ શતાયુ મતદારોની સાથોસાથ પોતાના આયખાના નવ દશકા વટાવીને શતાયુની આરે લગોલગ પહોચેલાં અન્ય વડીલ, બુઝુર્ગ મતદારો આ વખતની ચૂંટણીમાં પણ મતદાન માટે પૂરી તત્પરતા સાથે સંકલ્પબધ્ધ બન્યા છે, ત્યારે સૌ કોઇ મતદારોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરવાનું લોકશાહીના આ સૈનિકોએ આહવાન કર્યું છે.

Latest Stories