/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/maxresdefault-123.jpg)
સમગ્ર રાજ્યમાં 1લી મેના રોજ સુજલામ સુફલામ જળસંચય અભિયાનની ભરૂચ જિલ્લામાંથી મુખ્યમંત્રીનાં હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધીઓ દ્વારા આ યોજનાની અલગ અલગ જિલ્લાઓમાં જઈને શરૂઆત કરાવવામા આવી હતી. ત્યારે 1 મહિના દરમિયાન રાજ્યભરમાં સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવો ચેકડેમોને ઉંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. જેનો આજરોજ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના રાંદરડા તળાવ ખાતે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લામા જળ સંચય અભિયાનના સમાપન પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય દ્વારા નર્મદાના જળ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપના તમામ અગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અંગે કેન્દ્રીયમંત્રી પુરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત છે. આવનારા દિવસોમાં ભાવમાં ઘટાડો થશે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજકોટ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં જળ અભિયાન માટે ૫૦થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. ૬૮૯ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે કામો આ એક માસ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યા છે. જેની પાછળ લોકભાગીદારીથી સંપૂર્ણ રૂ. ૪૦૦ લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચ આ સંસ્થાઓ દ્વારા વહન કરવામાં આવ્યો છે. સાડા સાત હજારથી વધુ લોકોને રોજગારી મળી છે. આ ખોદકામ દરમિયાન ડુંગરના ડુંગર ખડકાય એટલી માટી, ૧૬.૭૫ લાખ ઘન મિટર માટી નીકળી છે. એટલે કે આપણા જળાશયોમાં આટલી જળસંગ્રહશક્તિમાં વધારો થયો છે. કુદરતીની મહેરબાનીથી આ જળાશયો છલકાય જશે અને ખેડૂતોને વિશેષ ફાયદો થશે.