/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/000.jpg)
જમ્મુ કાશ્મીરના પુલાવામા આતંકવાદી હુમલામાં ૪૪ જેટલા વીરજવાનોની શહીદીએ સમગ્ર દેશને ધ્રુજાવી મૂકયો છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી દેશભરમાં શોક મનાવાઇ રહયો છે. શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે અને કોઇને કોઇ સ્વરૂપે લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહયા છે. ભરૂચની એક બાળાએ સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવાની અપીલ કરી છે અને તેના બદલામાં જે કોઇ પણ સગવડોનો ભોગ આપવો પડે તે આપવાની તૈયારી બતાવી છે.
મકતમપુરની શિવમ હાઈસ્કૂલમાં ભણતી ૧૧ વર્ષની બાળા રૂષિકા વિરેન્દ્ર પાટીલને પુલાવામાની ઘટનાએ હચમચાવી મૂકી છે. રૂષિકાએ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ દેશના દુશ્મનોનો ખાત્મો કરવાની અપીલ કરી છે. રૂષિકાએ પત્રમાં લખ્યા મુજબ તે છેલ્લા એક અઠવાડિયાથી રોજ પુલાવામાના શહીદોને અપાતી શ્રધ્ધાંજલિઓ સહિતના સમાચારો જુએ છે. શહીદોના પરીવાર અને બાળકોના આક્રંદ જાઈ તેની આંખમાં પણ આંસુ આવી ગયા હોવાનો એકરાર કરે છે. તે લખે છે કે આ બાળકોના આંસુ તે જાઇ શકતી નથી. આ બાળકોને પણ થોડી સહાનુભૂતિ અને લાગણીની જરૂર છે. અત્યારે આ લાગણી બધા બતાવી રહયા છે પરંતુ થોડા સમય પછી બધા ભૂલી જશે અને શહીદોના પરિવાર અને બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
રૂષિકા લખે છે કે આ ઘટનાઓ હવે અટકે તે જરૂરી છે. અને તેના માટે હવે દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવો પણ જરૂરી છે પછી ભલે તે દેશની અંદર છૂપાયા હોય કે બહાર પરંતુ જવાબ આપવો જરૂરી છે. તેણે લખ્યું છે કે અમારા સુરક્ષિત ભાવિ માટે અમને મળતી આજની સગવડો લાભ જતા કરવા માટે તૈયાર છીએ. પરંતુ આ દેશના દુશ્મનોનો ખાત્મો અત્યંત જરૂરી છે. તેણે એમ પણ લખ્યું છે કે પોતે એક પોલીસ કર્મીના પરીવારની દીકરી છે અને જરૂર પડે તો સરહદ ઉપર જવા માટે પણ તૈયાર છે. દેશ માટે આહુતિ આપતા ખચકાઈશ નહિં તેવા વચન સાથે તેણે વડા પ્રધાનને પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છેકે પુલાવામાની ઘટનાએ દેશ આખામાં ક્રોધાગ્નિ પ્રગટાવ્યો છે જેમાં રૂષિકા જેવી બાળાઓએ પણ એક ભારતીય તરીકે પોતાનો મિજાજ અને દેશ પ્રત્યેની ભાવનાને વ્યક્ત કરી છે અને ત્યારે ભારત સરકારનું વલણ શું રહે છે તે જાવું રહ્યું.