/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02155902/maxresdefault-15.jpg)
નર્મદા નદીમાં આવેલાં પુરના પગલે નર્મદા નદીના કિનારે આવેલાં સ્મશાનો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. હાલ માત્ર ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલાં શાંતિવન સ્મશાન ખાતે અને કોરોનાના મૃતકોના ગોલ્ડનબ્રિજ નજીક અંતિમ સંસ્કાર કરાય રહયાં છે. અંતિમ સંસ્કાર માટે લોકો મૃતદેહ સાથે રાહ જોતા નજરે પડી રહયાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે નર્મદા નદીમાં છેલ્લા ચાર દીવસથી પુરની સ્થિતિ જોવા મળી રહી છે. નદીની સપાટી 35 ફુટ સુધી પહોંચી જતાં નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. નદીમાં આવેલું પુર લોકો માટે મુસીબતોનો પહાડ લઇને આવ્યું છે. ભરૂચ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં સ્મશાનો પાણીમાં ગરકાવ થઇ જતાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાલાકી પડી રહી છે. ભરૂચની એક માત્ર શાંતિવન સ્મશાન નર્મદા નદીના ઘાટથી ૫૦૦ મીટર દુર અને અંદાજીત ૪૦ ફૂટ ઊંચાઈએ આવેલું હોવાના કારણે પૂરના પાણી સ્મશાન માં પ્રવેશતા નથી. જેના કારણે એક માત્ર શાંતિવન સ્મશાન ખાતે મૃતદેહો ની અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં પણ અંતિમ સંસ્કાર માટે પરિવારજનોએ રાહ જોવી પડી રહી છે. કોરોનાના કારણે મૃત્યુ પામતાં લોકોના અંતિમ સંસ્કાર ગોલ્ડન બ્રિજ નજીક કરાય રહયાં છે. પુરના સમય દરમિયાન સ્વયંસેવકોએ ગોલ્ડનબ્રિજ નજીક 11 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યાં છે.