/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/f7kCoc1E.jpg)
ભરૂચમાં એક તરફ વરસાદે ધમાકેદાર બેટીંગ કરવાની શરૂઆત કરી છે ત્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલીંગના લીરે લીરા ઉડાવી બેફામ બનેલા તસ્કરોએ સાગમટે ૭ જેટલી દુકાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યાનો બનાવ સામે આવતા વેપારી વર્ગ સહિત સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના કતોપોર બજારમાં આવેલ પોલીસ ચોકીની સામે જ આવેલ ૭ જેટલી દુકાન સહિત જ્વેલર્સની દુકાનના નકુચા તોડી તેમાંથી લાખોની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસના નાઇટ પેટ્રોલીંગના ધજાગરા ઉડવા પામ્યા છે. સ્થાનિક સહિત વેપારીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. જોકે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમણે વેપારીઓની ફરીયાદ લેવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ કયા વેપારીને ત્યાં કેટલાની ચોરી થઈ તે જાણવા મળ્યું નથી પણ લાખોની મતા ગઈ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઘટનાની હજુ કોઇ સત્તાવાર પોલીસ ફરીયાદ પણ નોંધાવા પામી નથી.