/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/01-52.jpg)
વર્ષ ૨૦૧૯ ની મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા ખુશનસીબ હજયાત્રીઓ માટે મોહદ્દિસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચ તેમજ અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટી પાલેજના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ પાલેજ સ્થિત મદની હોલમાં હજ તાલિમ શિબિર યોજાઇ હતી.
આ શિબિરનો પ્રારંભ તિલાવતે કુર્અાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ મદ્રેસાના તુલ્બાઓએ સુંદર નાઅત શરીફના ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ નામાંકિત આલિમ હાજી મૌલાના હસન અશરફીએ હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ વિવિધ અરકાનોનું વિસ્તૃત છણાવટ સાથે સંપૂર્ણ માર્ગદર્શન હજયાત્રીઓને આપ્યું હતું. હજ તાલિમ શિબિરમાં પાલેજ નગર સહિત અાસપાસના ગ્રામ્ય વિસ્તારના હજયાત્રાએ જઇ રહેલા સો ઉપરાંત હજયાત્રીઓએ ભાગ લઇ હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
અંતમાં સલાતો સલામ તથા દુઆઓ સાથે હજ તાલિમ શિબિરનું સમાપન થયું હતું. મોહદ્દિસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચના સંચાલકોએ હજયાત્રીઓને તેઓની હજયાત્રા સુખમય અને સફળ નિવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. હજયાત્રીઓએ ભોજન લઇ સજળ નયનોએ જ્યારે મદની હોલમાંથી વિદાય લીધી ત્યારે ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર હજ તાલિમ શિબિરને મોહદ્દિસે આઝમ મિશનના અધ્યક્ષ હાજી ફારૂકભાઇ લાંગીયા ઉપાધ્યક્ષ હાજી મૌલાના હસન અશરફી, સેક્રેટરી ગુલામભાઇ મહેરબાન તેમજ મોહદ્દિસે આઝમ મિશનના સદસ્યોએ ખડેપગે હાજર રહી ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.