/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sdfsdf-1.jpg)
ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ભલામણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભરૂચ શ્રવણ ચોકડી ખાતે રૂપિયા ૮૦ કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવર બ્રિજની મંજૂરી આપવામાં આવતા ભરૂચ શહેરમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ભરૂચ શહેરના લીંક રોડ ઉપર શ્રવણ ચોકડી ખાતે છેલ્લા ઘણા સમયથી જરૂરીયાત અને રજૂઆતોને ધ્યાને લઈ ધારાસભ્ય દુષ્યંત પટેલની ભલામણ સ્વિકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રૂપિયા ૮૦ કરોડના ખર્ચે ફલાયઓવરને લીલીઝંડી આપી દીધી છે. ચોકડી ઉપર ટ્રાફિકજામની સમસ્યા શહેરીજનો સાથે ઉધોગો, નોકરીયાત, વેપારીઓ તેમજ વિધાર્થીઓ માટે પણ માથાનો દુખાવો બની ગઈ હતી. ફલાયઓવર બનતા ટ્રાફિકજામ ભૂતકાળ બનવા સાથે શહેરીજનોના માથે સતત ટોળાતા અકસ્માતના જોખમમાંથી પણ છૂટકારો મળશે.
ભરૂચ શહેર હવે બિજોનું શહેર બનવા તરફ દોટ મૂકી રહ્યું હોય તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ રહી નથી. ગોલ્ડન, સિલ્વર,જૂનો-નવો સરદાર બ્રિજ, કેબલ બિજ, ભૃગુઋષિ ફ્લાયઓવર, નંદેલાવ-જંબુસર ફ્લાયઓવર, કસક-સિવિલ, શકિતનાથ અંડરબ્રિજ, ફાટા તળાવથી મહંમદપુરા જતા બે ગરનાળા, નર્મદા મૈયા ફોરલેન બિજ તેને સંલગ્ન કોલેજ રોડ ફ્લાયઓવર સાથે જ આગામી સમયમાં બૂલેટ ટ્રેન, ડીએફસી અને એક્સપ્રેસ વે બિજ બાદ શહેરમાંવધુ એકફલાયઓવરની જાહેરાત નાયબ મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવી છે.
ઘણાં લાંબા સમયથી શ્રવણ ચોકડી અતિ વ્યસ્ત રહેતા વારંવાર અકસ્માતોમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો આ જ વિસ્તારમાં ૪ થી વધુ શાળાઓ પણ આવેલી હોય બાળકો માટે આવનજાવન કરવાનું વધુ કપરૂં સાબિત થઈ રહ્યું હતું. તેમજ વારંવાર ટ્રાફિકજામનો સામનો પણ ભરૂચની પ્રજાએ કરવો પડી રહ્યો હતો.જે અંગેની લોક લાગણીને ધ્યાને રાખી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પ્રજાહિતમાં શ્રવણ ચોકડી વિસ્તારમાં પણ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાની માંગ રાજય સરકાર પાસે કરી હતી. તેમના આ પ્રોજેકટને રૂપિયા ૮૦ કરોડ ના ખર્ચે બનાવવા માટે રાજય સરકારે તેના ઉપર મંજૂરીની મહોર મારતા હવે ભરૂચ શહેરને આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાથી મુક્તી મળશે.