/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-342.jpg)
મુંબઇ ખાતે ટૂંકી માંદગી બાદ ભરૂચના લોકપ્રિય નેતા અને ખેડૂત આગેવાન જયેશ પટેલનું દુઃખદ નિધન થયું છે. જયેશભાઇના અચાનક થયેલ નિધનથી ભરૂચમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. આજે સવારે એમના ઝાડેશ્વર સ્થિત નિવાસ્થાનેથી તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી અને અશ્રુભીની આંખોથી જયેશભાઈ (કાકા)ને અંતિમ વિદાઇ આપી હતી. આ દુ:ખદ પ્રસંગે કોંગ્રેસના તેમજ ભાજપાના મંત્રી સહિત દિગ્ગ્જ નેતાઓ કાર્યકર્તાઓએ પણ હાજર રહી જયેશભાઇ પટેલને અંતીમ વિદાય આપી હતી.
જે અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા. તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે. જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા. આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.