/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/bhr-bhuvo-e1561891413441.png)
ભરૂચ શહેરના પંચબત્તીથી મહમ્મદપુરા માર્ગ ઉપર ભૂવો પડતાં નગરપાલિકાના બેજવાબદાર તંત્રની પોલ ખુલ્લી પડી હતી. ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની ચાલતી કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા શરૂઆતી વરસાદ બાદ ભૂવો પડતાં રાહદારી અને વાહનચાલકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના પંચબત્તીથી મહમ્મદપુરા જવાના મુખ્યમાર્ગ ઉપર સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ પાસે રોડમાં એકાએક ભૂવો પડ્યો હતો. ભૂવો પડતાની સાથે જ તેમાં કોઈ વાહનચાલક પટકાય નહીં તે માટે રાહદારીઓએ તેની ફરતે ઝાડની ડાળીઓ વડે મુકી વાડ કરી હતી.
હાલ સમગ્ર ભરૂચ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર લાઇનનું કાર્ય કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ કર્યા બાદ તેનું યોગ્ય રીતે પેચ વર્ક કરી પુરાણ કરવામાં નહી આવતા માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો. શહેરમાં વરસી રહેલ શરૂઆતી વરસાદને પગલે આજરોજ ગટર લાઇનની મેઇન ચેમ્બર નજીકનો ભાગ નાજુક થતાં અચાનક તેની આજુબાજુની માટી ધસી જતાં માર્ગમાં ભૂવો પડ્યો હતો. શહેરમાં ઘણા એવા માર્ગ છે જ્યાં આ પ્રકારની કામગીરી બાદ વરસાદના કારણે ભુવા પાડવાની ઘણી શક્યતાઓ રહેલી છે. લોકો પાલિકા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે, વહેલી તકે આ તમામ માર્ગ ઉપર ગુણવત્તાભર્યું પેચ વર્ક કરવવામાં આવે તો મોટી જાનહાનિ ટળી શકે તેમ છે.