નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે કલીન ભરૂચ કલીન નર્મદાની ટીમ કાર્યરત છે. દશામા અને ગણેશ વિસર્જન દરમિયાન ટીમના સભ્યો વિસર્જનના સ્થળે હાજર રહી શ્રધ્ધાળુઓ પાસેથી પૂજાપો એકત્ર કરી તેનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરતાં હોય છે.
ગુરૂવારના રોજ પણ ગણેશ વિસર્જન દરમિયાન ટીમના સભ્યોએ સરાહનીય કામગીરી બજાવી હતી. કલીન ભરૂચ કલીન નર્મદાના સભ્યો દ્વારા ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન વિવિધ સ્થળોએથી પૂજાપો એકત્ર કરાયો હતો. હવે તો ભરૂચ અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. સંસ્થાના અગ્રણી જયકિશનસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે લોકોમાં પર્યાવરણ પ્રતિ જાગૃતિ જોવા મળી હતી. તેમની ટીમ દ્વારા એકત્ર કરેલ 10 ટન થી પણ વધુ પ્લાસ્ટિકના કોથળા સાથેનો 80 ટકા પૂજાપો ભક્તોએ જાતેજ નગરપાલિકાના ટેમ્પામાં મુક્યો હતો અને સ્વયંભૂ કાર્યમાં સહભાગી થયા હતાં.
ટીમ દ્વારા કરેલી નોંધણી મુજબ આ વર્ષે માટીની પ્રતિમાની સ્થાપનામાં પણ 15% વધારો થયો છે. આ વર્ષે નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં લાશ્કરો, માછીમારો, પોલીસ જવાનો તથા અન્ય તમામ લોકોએ સારી કામગીરી બજાવી હતી. પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીની પ્રતિમાઓની સ્થાપનામાં વધારો થાય તેવી દરેક શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે.