/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/IMG-20180523-WA0031.jpg)
ભરૂચ શહેરના મુખ્યમાર્ગોને નો હોકર્સ ઝોન જાહેર કરાયા બાદ રોજગારી છીનવાઇ જતાં બેકાર બનેલા લારીધારકોએ બુધવારે કલેકટરને આવેદનપત્ર આપી નો હોકર્સ ઝોન રદ કરવામાં આવે અથવા લારીઓ ઉભી રાખવા વૈકલ્પિક જગ્યા અપાઇ તેવી માંગ કરી છે.
ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે વહીવટીતંત્રએ વિવિધ વિસ્તારોને નો હોકર્સ ઝોન જાહેર કરી લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સોમવારે પાલિકાએ સ્ટેશનથી પાંચબત્તી વિસ્તારમાં ઉભેલી ૨૦થી વધારે લારીઓ જપ્ત કરી લેતા લારીધારકોમાં રોષ જોવા મળી રહયો છે. ઇન્દિરાનગર તેમજ આસપાસ ઉભી રહેતી લારીઓના ધારકોએ બુધવારે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
કલેકટરને આપેલઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તેઓ ઇન્દિરાનગર વિસ્તારમાં ૨૦ વર્ષથી લારીઓ ઉભી રાખી પરિવારનું ગુજરાન ચલાવી રહયાં છે. અત્યારે અધિક અને રમઝાન માસ ચાલી રહયો હોવાથી કમાણીનો સમય છે તેવામાં પાલિકાએ લારીઓ બંધ કરાવી દીધી છે. લારીઓ બંધ થતાં રોજગારી છીનવાઇ ગઇ છે. ભોલનશા દરગાહની પાછળ બનાવાયેલું પાર્કિંગનો કોઇ વપરાશ થતો નથી ત્યારે આ જગ્યા લારીઓવાળાને ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ છે. જો પાર્કિંગ ન ફાળવાઇ તો હાલની જગ્યાથી ૧૦ ફૂટ પાછળ ખસવા લારીધારકો તૈયાર છે. ગરીબ લારીઓ વાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી નો હોકર્સ ઝોન રદ કરાઇ અથવા વૈકલ્પિક જગ્યા ફાળવાઇ તેવી માંગ કરાઇ છે.