ભરૂચના વાગરા પંથકનો બનાવ
સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ
પ્રચંડ બ્લાસ્ટથી અરફરાતફરી
5 કામદારોના મોત નિપજ્યા
2 કામદાર સારવાર હેઠળ
ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં મોટી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે.SynZeal Pharmachem કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા 5 કામદારોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા
ભરૂચના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.કંપનીના પ્લાન્ટમાં હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે પ્લાન્ટમાં મશીનરીના વિવિધ ભાગો વેરવિખેર થઈ ગયા હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં છે.દુર્ઘટના સમયે કંપનીમાં આશરે 20 કામદારો કામ કરી રહ્યા હતા.
બ્લાસ્ટની ઘટનામાં પાંચ કામદારોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બે કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અને બ્લાસ્ટનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો, ઔદ્યોગિક સલામતીનાં નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં અને પ્લાન્ટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.SynZeal Pharmachem કંપની મે-જૂન મહિનામાં જ કાર્યરત થઈ હતી. દુર્ઘટના બાદ સંબંધિત તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત માટે જવાબદાર પરિબળો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
સાયખા GIDCમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં પગલાં અને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન લેવાતી સાવચેતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને બ્લાસ્ટનાં ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
