/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/WhatsApp-Image-2019-06-20-at-17.50.58.jpeg)
ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ તમામ તાલુકાના ખેડૂત મિત્રો ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ(PM-કિસાન) યોજના અન્વયે ભરૂચ જિલ્લામાં ખેતી લાયક જમીન ધરાવતા તમામ જમીન ધારક ખેડૂત કુટુંબોને લાભ લેવા ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ કલેક્ટર કચેરી ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ આ પ્રસંગે મિડીયા કર્મીઓને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ જિલ્લામાં ખેતી લાયક જમીન ધરાવતાં તમામ ખેડૂત કુટુંબોને ત્રણ સમાન હપ્તામાં કુલ રૂ.૬૦૦૦/- નો લાભ મળશે. ભરૂચ જિલ્લામાં આ યોજના હેઠળ ૧૭૨૧૨૮ ખાતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના મહત્તમ લાભ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળે તે માટે તા.૨૫ અને ૨૬ મી જૂન - ૨૦૧૯ ને સવારે ૦૮:૦૦ કલાકથી રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી જિલ્લાની ૫૪૫ ગ્રામ પંચાયતોને આવરી લઇને આ કામગીરીની ઝુંબેશ હાથ ધરાશે. જેમાં દરેક ગામે એક તલાટી અગર ગ્રામ સેવક તથા કોમ્પ્યુટર ઓપરેટર મળી બે વ્યક્તિ સાથે ૧૧૯૦ કર્મચારીઓના ઓર્ડર આ કામગીરી માટે થઇ ગયેલ છે. પાંચ ગ્રામ પંચાયત દીઠ એક સેક્ટર ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવેલ છે. આમ આ કામગીરી માટે કુલ જિલ્લાના ૧૩૦૦ જેટલાં અધિકારી-કર્મચારીઓ ભાગ લેશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એક થી વધુ ખેડૂત કુટુંબ આવતાં હશે તો પણ દરેક કુટુંબ દીઠ રૂ.૬૦૦૦/- મળવાપાત્ર છે એટલે કે ખાતામાં જેટલાં કુટુંબો થશે તેટલાં તમામ કુટુંબ દીઠ રૂ.૬૦૦૦/- મુજબ દરેક કુટુંબને લાભ મળશે. બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓ, ચૂંટાયેલા મહાનુભાવો, રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ(વર્ગ-૪ સિવાયના), રૂ.૧૦૦૦૦/- થી વધુ પેન્શન મેળવતાં નિવૃત્ત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ પ્રોફેશનલ અને આવકવેરો ભરનાર વ્યક્તઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જિલ્લામાં જે કોઇ વ્યક્તિના પેમેન્ટ બાકી છે તેઓને જૂનના અંત સુધીમાં મળી જશે તેમ પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના ખેડૂતો માટે લાભદાયી યોજના છે. આ યોજનામાં ભરૂચ જિલ્લામાં એક પણ ખેડૂત બાકી ન રહી જાય તે માટે તા.૨૫ અને ૨૬ જૂન - ૨૦૧૯ ના રોજ (સવારના ૦૮:૦૦ થી રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી) જે તે ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવેલી ઝુંબેશમાં જિલ્લાના ખેડૂતો મહત્તમ લાભ લે તેવી અપીલ ખેડૂતોને કરવામાં આવી હતી. ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ તથાબેîક પાસબુકની નકલ સાથે લઇ જવાની રહેશે. આ યોજના હેઠળ અગાઉ જેને અરજી કરેલ હોય તેને ફરીથી અરજી કરવાની રહેતી નથી.
વધુ માહિતી માટે તા.૨૫ અને ૨૬ જૂનના રોજ આ યોજના અંગે ખેડૂતોને કોઇ પણ પ્રશ્નોની મુંઝવણ હોય તો ૦૨૬૪૨-૨૬૧૬૧૧ કંન્ટ્રોલરૂમ પર સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે ગ્રામ્ય લેવલે ગ્રામ સેવક, તલાટીકમ મંત્રી, તાલુકા સ્તરે તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા સ્તરે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. આ બેઠકમાં નાયબ માહિતી નિયામક એન.વી.પટેલ સહિતી મોટી સંખ્યામાં મિડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.