/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/fgfdg.jpg)
- ૧૩૦ ફુટ લાંબા કેનવાસ પર ૨૦ જેટલી જુદી જુદી શાળા શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભેના ચિત્રો દોર્યા
- અંકલેશ્વરની ઝેનીથ હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- ૨૩ મી એપ્રિલ - ૨૦૧૯ નાં રોજ અચૂક મતદાન કરવાના સામૂહિક શપથ લઇ જિલ્લાવાસીઓને અચૂક મતદાનનો સંદેશો આપ્યો
- પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરાએ મતદાન જાગૃતિ સંદર્ભેના રંગોળી - ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુક્યું
વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો ભારત દેશ ચૂંટણીનું મહાપર્વ ઉજવવા જઇ રહ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩ મી એપ્રિલ ૨૦૧૯ ના રોજ યોજાનાર છે ત્યારે મતદાન અને મત અધિકાર વિશે સામાજિક જાગૃતિ ફેલાવી લોકશાહીને મજબૂત બનાવવાના શુભાશયથી સ્વીપ અંતર્ગત ઝેનીથ હાઇસ્કુલ અંકલેશ્વર ખાતે આજરોજ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ રંગોળી પ્રદર્શનનું પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતાએ રીબીન કાપીને ખુલ્લું મુક્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની ૨૦ જેટલી શાળાઓના શિક્ષકો દ્વારા ૧૩૦ ફુટ લાંબા કેનવાસ પર મતદાન જાગૃતિ સંદર્ભે વિવિધ ચિત્રો દોરી તેનું પ્રદર્શન પણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ગર્વની વાત તો એ છે કે મતદાન જાગૃતિ સંદર્ભે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત કેનવાસ પર ચિત્રો દોરવામાં આવ્યા છે.
અંકલેશ્વર તાલુકા મુસ્લીમ બ્રધરહુડ ટ્રસ્ટ - અંકલેશ્વર અને ઝેનીથ હાઇસ્કુલ પરિવાર દ્વારા ઝેનીથ હાઇસ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરાએ મતદાન જાગૃતિ સંદર્ભે રંગોળી પ્રદર્શન તથા ચિત્ર શિક્ષકો દ્વારા કેનવાસ પર ચિત્રો દોરી ભરૂચ જિલ્લાના સૌ મતદાતા ભાઇ-બહેનો માટે મતદાન કરવા પ્રેરણારૂપ બની રહે તે રીતના કરેલાં આયોજનને બિરદાવતાં કહ્યું હતું કે આગામી ૨૩ મી એપ્રિલે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે દરેક મતદાતા પોતાનો મત અચૂક આપે તેવી અપીલ કરી હતી.
લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુને વધુ મતદાન કરે તે હેતુથી ઝેનીથ હાઇસ્કુલ અંકલેશ્વર ખાતે યોજાયેલ આ રંગોળી પ્રદર્શન તથા ૧૩૦ ફુટ લાંબા કેનવાસ પર ચિત્ર શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિના દોરેલા ચિત્રોને બિરદાવી સૌને લોકશાહીના મહાપર્વમાં જાડાવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે ઝેનીથ હાઇસ્કુલનો એક વિદ્યાર્થી ઓછામાં ઓછા વીસ મતદારોને જાગૃત કરીને મતદાન કરવા પ્રેરિત કરે તેવો અનુરોધ પણ ર્ક્યો હતો.
સ્વીપ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વોટ આપવો આપણો અધિકાર છે અને ફરજ પણ છે. લોકશાહીના આ મહાપર્વમાં ૨૩ મી એપ્રિલ - ૨૦૧૯ નાં રોજ અચૂક મતદાન કરવાના સામૂહિક શપથ - પ્રતિજ્ઞા લઇ જિલ્લાવાસીઓને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ઝેનીથ હાઇસ્કુલના આચાર્ય ઇકબાલભાઇ પટેલ, દિવ્યેશભાઇ પરમાર, સંગીતાબેન મિસ્ત્રી, શાળાના શિક્ષકો, હોદ્દેદારો જિલ્લાની ૨૦ જેટલી જુદી જુદી શાળાના ચિત્ર શિક્ષકો,વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.