રૂપાણીજીએ શહીદની પુત્રીને સભામાંથી બહાર ફેંકાવીને માનવતાને શર્મસાર કરી છે : રાહુલ ગાંધી

New Update
રૂપાણીજીએ શહીદની પુત્રીને સભામાંથી બહાર ફેંકાવીને માનવતાને શર્મસાર કરી છે : રાહુલ ગાંધી

૧૪૮ નાંદોદ વિધાનસભાનાં ઉમેદવાર માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી એ આજે શુક્રવારના રોજ પ્રચારસભા સંબોધી હતી, જો કે ચાલુ સભા દરમ્યાન જ શહીદ અશોક તડવીની પુત્રી રુપલબેન તડવીએ સુરક્ષા કવચ ભેદીને બેરીકેડ ઓળંગીને મુખ્યમંત્રી પાસે જવાનો પ્રયાસ કર્યો હતો.

ફરજ પર હાજર મહીલા પોલીસ સબ ઇન્સ્પેકટર અને અન્ય મહીલા પોલીસ કર્મીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ યુવતી એ મુખ્યમંત્રીને મળવા માટે ભારે જીદ પકડી રાખતા ટીંગાટોળી કરીને બહાર લઇ જવાઇ હતી અને તેની અટકાયત કરાઇ હતી, મુખ્યમંત્રીએ પોતે પણ સ્ટેજ પરથી આ યુવતીને અપીલ કરી હતી કે, શાંતિ રાખ બહેન, તને પણ સમય આપીને મળીશ.

તેણીની અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.જો કે આશ્ચર્યની વાત તો એ છે કે પોતાની સરકારને સંવેદનશીલ ગણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વાયદો કર્યા બાદ પણ આ શહીદની દીકરી રૂપલને મળવાનુ ટાળી અને બારોબાર હેલીકોપ્ટર મારફતે અન્ય સભા સ્થળે જવા રવાના થયા હતા.

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે એક વીડિયો ટ્વીટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાધતા કહ્યું, “ભાજપાનું ઘમંડ ચરમ પર છે. પરમ દેશભક્ત રૂપાણીજીએ શહીદની પુત્રીને સભામાંથી બહાર ફેંકાવીને માનવતાને શર્મસાર કરી છે. 15 વર્ષથી પરિવારને મદદ નથી મળી, માત્ર વાયદાઓ મળ્યા, ન્યાયની માંગ કરતા દિકરીને આજે અપમાન પણ મળ્યું, શર્મ કરો, ન્યાય આપો."

અશોક તડવી 2002માં શહીદ થયા હતા, પરંતુ હજુ સુધી તેમેને શહીદને મળવા પાત્ર થતી જમીન હજુ સુધી નથી મળી. તડવીના પત્ની અને દીકરી આ મામલે અનેકવાર સરકારી અધિકારીઓ સામે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નથી.

શહીદ તડવીના પત્ની અને દીકરીએ ભરૂચમાં પણ બે મહિના પહેલા પીએમને મળવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ તેમની અટકાયત કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના રોજ જિલ્લાકક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં પણ શહીદ તડવીના પત્નીએ આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. જોકે, પોલીસે તેમની પહેલા જ અટકાયત કરી લીધી હતી.

Latest Stories