લોકસભા બેઠકની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા જિલ્લાના ૪,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ રહ્યા મતદાનથી વંચિત..!

New Update
લોકસભા બેઠકની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા જિલ્લાના ૪,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ રહ્યા મતદાનથી વંચિત..!

૨૬-વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા જિલ્લાના ૪,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓએ અજ્ઞાનતામાં કે કોઇક અકળ કારણસર મતદાન કરવા માટેનું ફોર્મ નં.૧૨-બી ભર્યુ ન હોય, તે તમામ મતદાનથી વંચિત રહી ગયાં હતા.

જે સંદર્ભે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરને પત્ર લખી, મતદાન ન કરી શકેલા સરકારી કર્મચારીઓને બેલેટ પેપર મારફતે મતદાન કરાવવા અંગેની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઉમેદવાર જીતુ ચૌધરીએ કલેકટરને જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી માટે આજે થયેલા મતદાન માટે વાપી અને વલસાડ તાલુકાના તથા જિલ્લાના કર્મચારીઓને ચૂંટણીના કામે અલગ-અલગ સ્થળે નિમણૂંક આપવામાં આવેલી છે.

એ કર્મચારીઓને, જે તે તાલુકાના મામલતદારો કે એ.આર.ઓ. મારફતે, ચૂંટણી ફરજ પરના અધિકારી માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. જેથી ચૂંટણી ફરજ પરના અધિકારીઓ મતદાનથી વંચિત રહ્યા છે. આવા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને બેલેટ પેપર મારફતે મતદાન કરાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી છે.

આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સી.આર. ખરસાણે જણાવ્યું કે, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની બબ્બે વખત ટ્રેનીંગ વખતે તમામ કર્મચારીઓ માટે જે તે સ્થળે ફોર્મ ૧૨-બી રાખવામાં આવ્યા હતાં. કર્મચારીઓ એ ફોર્મ ભરીને આપે તો એ.આર.ઓ. તરફથી પ્રમાણપત્ર મળી જાય તેમ હતાં. પરંતુ ઘણા કર્મચારીઓએ કોઇક કારણસર ફોર્મ ન ભર્યા, તેને કારણે સ્થિતિ સર્જાઇ હોવાનું જણાવ્યું હતું.

Latest Stories