/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/1497869037-1497709293-1497239319-modi01.jpg)
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર અને ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ ઘોઘા ખાતેથી કરવામાં આવશે, અને પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં નરેન્દ્ર મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં હાલ પેેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવનાર છે.
ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે. ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા.