/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/4-7.jpg)
વડોદરા જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ સામે આવેલી અવિશ્વાસની દરખાસ્ત માટે મળેલી સામાન્ય સભા કોરમના અભાવે તા.24 ઓક્ટોબર સુધી મુલતવી રહી હતી. ઉપપ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, મારા સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ભાજપાનું સુરસૂરીયું થઇ ગયું છે. નિયમ પ્રમાણે સભ્યોની એક કલાક રાહ જોવામાં આવી.હતી પરંતુ સભ્યો સામાન્યસભામાં આવ્યાં ન હતાં.
વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરોને સાથે રાખી કોંગ્રેસનું પ્રમુખ પદ આંચક્યા બાદ ભાજપા દ્વારા ઉપપ્રમુખ કબજે કરવા માટે ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. જે માટેની આજે વિેશેષ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ, સભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ભાજપા જૂથ અને કોંગ્રેસના ઉપપ્રમુખ જૂથના એકપણ સભ્યો હાજર રહ્યા ન હતા. પંચાયતના નિયમ મુજબ ડી.ડી.ઓ. કિરણ ઝવેરી દ્વારા એક કલાક સભ્યોની રાહ જોવામાં આવી હતી. પરંતુ, એક કલાક પછી પણ સભ્યો હાજર ન રહેતા સભા મુલતવી કરવામાં આવી હતી. અને આગામી સભા તા.24 ઓક્ટોબરે બોલાવી છે.
સભા મુલતવીની જાહેરાતના એક મિનીટ પૂર્વે આવી પહોંચેલા કોંગ્રેસ સભ્ય અને ઉપ પ્રમુખ મુબારક પટેલ અને અર્જુનસિંહ પઢીયાર સભા ગૃહમાં આવી પહોંચ્યા હતા.
ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, અમારી પાસે ફ્લોર ટેસ્ટ આપવા માટે પુરતા સભ્યો છે. પરંતુ, મારી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ભાજપા પાસે સભ્યો ન હોવાથી તેઓની અવિશ્વાસની દરખાસ્તનું સુરસૂરીયું થઇ ગયું છે. અમે તા.24 ઓક્ટોબરના રોજ ફ્લોર ટેસ્ટ આપવા તૈયાર છે. અમારી પાસે પુરતા સભ્યો છે. અમે ભાજપા દ્વારા મુકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત સામે બહુમતી પુરવાર કરીશું.