વાગરા વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગમાં 1,98,137 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

New Update
વાગરા વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગમાં 1,98,137 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

ભરૂચ જિલ્લાની પાંચ બેઠક પૈકી વાગરા વિધાનસભા ભાજપ અને કોંગ્રેસ માટે અતિ મહત્વની બેઠક છે. કોળી સમાજનાં આગેવાને અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી જંગ રસપ્રદ બનવા પામ્યો છે. બંને મુખ્ય પક્ષ વાગરા બેઠક હસ્તક કરવા મરણીયો પ્રયાસ કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં ગત 2012ની ચૂંટણીમાં ચાર વિધાનસભા ભાજપ પાસે હતી. જ્યારે એક પર જેડીયુએ વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસને પોતાની પરંપરાગત વાગરા સીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલમાં પાંચેય બેઠક પૈકી વાગરા બેઠક ઉપર માત્ર રાજકીય પક્ષની જ નહિં પરંતુ સામાન્ય મતદારની પણ નજર છે.

વાગરા મતવિસ્તારમાં દહેજ અને વિલાયત ઔદ્યોગિક વસાહતમાં અનેકવિધ કંપનીઓ આવેલી છે. જે મહત્વનું પાસુ છે. ગતવિધાનસભા ચૂંટણીમાં ભાજપ 14,312 મતોની લીડ થી વિજયી બન્યુ હતુ. ત્યારે આ વખતે પણ પોતાની બેઠક જાળવી રાખવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યુ છે. જ્યારે પોતાનો ગઢ ગણાતી વાગરા બેઠકને પુનઃ હસ્તગત કરવા કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.

જો કે આ બંને પક્ષના ગણિતમાં ગુંચવણ ઉભી કરે તેવા એક મજબૂત અપક્ષ ઉમેદવારે મેદાનમાં ઝંપલાવતા આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.વાગરા બેઠક ઉપર હાલતો મુસ્લિમ, એસ. સી., એસટી અને ઓબીસી મતદારો મહત્વનુ પરિબળ બની રહેશે. આ મતદારોનો જોક કોને જીતાડશે અને કોને ડુબાડશે એ તો 18મી ડિસેમ્બરનાં રોજ ખબર પડશે. હાલ તો ભાજપ, કોંગ્રેસ અને સબળ અપક્ષ સહિતના ઉમેદવારો મતો મેળવવા માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે.

વાગરા બેઠક ઉપર પાંચ પાર્ટીના ઉમેદવાર સહિત પાંચ અપક્ષ ઉમેદવારો પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે. વિધાનસભાના 1,98,137 મતદારો તમામના ભાવિનો ફેંસલો કરશે.આ લખાય રહ્યુ છે ત્યારે મોસમનો મિજાજ તો બદલાયેલોજ છે. હવે ધારાસભાની ચૂંટણીમાં મતદારનો મિજાજ કેવો રહેશે એ તો ચૂંટણીનાં પરિણામ ટાણેજ ખબર પડશે.

Latest Stories