/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16165713/maxresdefault-201.jpg)
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે તસ્કરોએ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ATMને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લામાં ફરી એકવાર તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. ગત મોડી રાત્રિએ ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના પાટિયા નજીક આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કના ATMમાં 3 તસ્કરો ઘુસ્યાં હતા. જેમાં તસ્કરોએ પહેલા ATM મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રયાસ નિષ્ફળ જતા તસ્કરો આખેઆખું ATM મશીન ઉપાડીને 20થી 30 મીટર સુધી દૂર લઈ ગયા હતા. ત્યારબાદ મશીન તોડી અંદર રહેલ 7 લાખથી વધુ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં કિમ પોલીસ મથકનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે મહત્વનું છે કે, ટકારમાં ગામે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કના ATMમાં ચોરીની આખી ઘટનાને અજામ આપતા તસ્કરોને માત્ર અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. જોકે રોડને અડીને જ આવેલા ATMમાં ચોરી થતાં પોલીસ દ્વારા કરવામાં આવતી પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઉભા થયા છે. ATMમાંથી રૂપિયા 7 લાખથી વધુની ચોરી થતાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ છે.