/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-438.jpg)
લક્ઝરી બસના સંચાલકો ઓછી મહેનતે વધુ રૂપિયા કમાણી કરી લેવા આ શ્રમિકોના જીવ સામે જોખમ ઉભું કરી રહ્યા છે.
ઝાલોદ થી મોટી સંખ્યામાં શ્રમિકો રોજી-રોટી માટે સુરત આવે છે.જ્યાં લક્ઝરી બસ મારફતે પરત પોતાના વતન ફરતા હોય છે.જો કે સુરત ના કેટલાક લક્ઝરી બસના સંચાલકો ઓછી મહેનતે વધુ રૂપિયા કમાણી કરી લેવા આ શ્રમિકો ના જીવ સામે જોખમ ઉભું કરી રહ્યા છે.આવા જ કંઈક દ્રશ્ય જોવા મળ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં.
સુરત શહેર ટ્રાફિક પોલીસ, આરટીઓ વિભાગ અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિય કામગીરી સુરતમાં જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ છે સુરતના સરથાણા વિસ્તારમાં સુરત થી ઝાલોદ જતી લક્ઝરી બસના સંચાલકો દ્વારા આડેધડ બસની ઉપર ક્ષમતા કરતા વધુ શ્રમિકોને બેસાડી જીવ સામે જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. માત્રને માત્ર હપ્તા ઉઘરાવવા માં રચ્યાપચ્યા રહેતા સુરત આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસની આ કામગીરીને લઇ અનેક સવાલ ઉભા થયા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી હવે સુરતના જાગૃત નાગરિકોએ કરવી પડી રહી છે.
મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં થી રાજસ્થાન પાર્સિંગ ની લક્ઝરી બસના સંચાલકો દ્વારા ક્ષમતા કરતા વધારે શ્રમિકોને બેસાડી મોતની સવારી કરાવવામાં આવી રહી છે. છતાં ટ્રાફિક પોલીસ અને સુરત આરટીઓ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. જેની જવાબદારી સુરત આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસના શિરે છે,ત્યારે બંને વિભાગ આંખ આડા કાન કરતું હોવાનું સામે આવ્યુ છે.
સુરત સરથાણા વિસ્તારમાંથી નિરાલી ટ્રાવેલ્સની બસના સંચાલકો દ્વારા સુરત થી ઝાલોદ બસ ઉપાડવામાં આવે છે.જેમાં મોટાભાગના લોકો શ્રમિક વર્ગથી આવે છે.૧૨૦ જેટલા મુસાફરો લઈને જતી નિરાલી ટ્રાવેલ્સની સુરત થી ઝાલોદ જતી બે બસની શહેરના જાગૃત નાગરિકો દ્વારા અટકાવવામાં આવી.બસમાં અને તેની ઉપરના ભાગે સંચાલકો દ્વારા યાત્રીઓએ જોખમી રીતે ભરવામાં આવ્યા હતા. સમી સાંજે સુરત થી ઝાલોદ જતી આ બસને સરથાણા જકાતનાકા પર જાગૃત નાગરિકો દ્વારા અટકાવી પોલીસ અને આર.ટી.ઓ.ને જાણ કરવામાં આવી.જ્યાં આખરે સરથાણા પોલીસ સહિત આરટીઓ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મુસાફરોને ઉતારી બંને બસને ડિટેઇન કરવામાં આવી હતી.આરટીઓ દ્વારા બંને બસને ડિટેઇન કરી તમામ દસ્તાવેજી કાગળો પણ રજૂ કરવા કડક સુચના આપવામાં આવી છે.સાથે જ મોટર વ્હીકલ એકટ હેઠળ સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
સુરત આરટીઓની તપાસમાં બહાર આવ્યું છે કે નિરાલી ટ્રાવેલ્સ ની આ બસમાં ૫૦ +૧ સીટર પાસિંગ કરેલ છે. છતાં બસની ક્ષમતા સામે ૭૦ જેટલા યાત્રીઓ બસની અંદર અને ૧૫ જેટલા યાત્રીઓ ડ્રાઈવર કેબિન માં અને ૩૫ જેટલા યાત્રીઓ બસની છત પર બેસાડીને સુરતથી રવાના કરવામાં આવી રહ્યા હતા. એક તરફ સુરત આરટીઓ સ્કૂલ વેન અને ઓટો સામે કડક કાર્યવાહી કરી ડિટેઇન સુધીની કાર્યવાહી કરી રહી છે,ત્યાં બીજી તરફ યાત્રીઓ ને મોત ની સવારી કરાવતા આવા બસ સંચાલકોને છુટ્ટો દૌર આપવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ અહીં એ થાય કે શું સુરત આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ કોઈ ઘટના ની વાટ જોઈ રહ્યું છે ? આરટીઓ વિભાગ અને સુરત પોલીસ જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ બેઠું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ લક્ઝરી બસ પર કરવામાં આવી રહેલી મોત ની સવારી પરથી જોવા મળી રહ્યા છે.