અમદાવાદમાં હજારો વાલીઓનો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ પર ભરોસો વધ્યો છે,’મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ અંતર્ગત વર્ષ દરમિયાન 4,800થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને અલવિદા કહી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
એક સમયે મોંઘી ખાનગી શાળાઓ તરફ દોડતા વાલીઓનો ભરોસો હવે સરકારી શાળાઓ પર દ્રઢ થયો છે. માત્ર અમદાવાદ જિલ્લામાં જ વર્ષ 2025-26 દરમિયાન 4,817 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.’મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ હેઠળ કાયાકલ્પ પામેલા વર્ગખંડો સામાન્ય પરિવારના બાળકોને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે ઉજ્જવળ ભવિષ્યની નવી દિશા આપી રહ્યા છે. અમદાવાદની થલતેજ પ્રાથમિક શાળા-2 આજે આધુનિક શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની ચૂકી છે. અહીં વિદ્યાર્થીઓ માટે ‘ગુગલ ફ્યુચર ક્લાસરૂમ્સ’, સ્માર્ટ બોર્ડ તેમજ સાયન્સ, મેથ્સ અને રોબોટિક્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
અભ્યાસની સાથોસાથ વિશાળ મેદાનમાં રમતગમત અને સંગીતની તાલીમ પણ અપાય છે. ઉપરાંત, સવારે પૌષ્ટિક દૂધ-નાસ્તાથી લઈને ગુણવત્તાસભર મધ્યાહન ભોજન દ્વારા બાળકોના સર્વાંગી ઘડતર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સમન્વયથી આ સરકારી શાળાઓ આજે ખાનગી શાળાઓને પણ માત આપીને હજારો બાળકોના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા બની રહી છે.
