અમેરિકાના ઓરેગોન રાજ્યના બેન્ડ શહેરમાં આવેલી એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી, આ ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકોનાં મોત થયાં હતાં. જોકે, આ દરમિયાન હુમલાખોર પણ માર્યો ગયો હતો. આ ઘટના સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી, જ્યાં કિન્ડરગાર્ટનથી પાંચમા ધોરણ સુધીનાં બાળકો અભ્યાસ કરે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવદળ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ત્યારબાદ શાળા બંધ કરી દેવામાં આવી હતી.

શંકાસ્પદ હુમલાખોર 16 વર્ષનો છોકરો હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ તેને ગોળી વાગી ગઈ હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, શંકાસ્પદ હુમલાખોરને ગોળી કોણે મારી હતી તે હજી સ્પષ્ટ થયું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શક્ય છે કે ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ તેને રોક્યો હોય. પોલીસને સૌથી પહેલાં એક કાર પર ગોળીબાર થયાની જાણ કરવામાં આવી હતી.

અમેરિકાની તપાસ એજન્સી FBI પણ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. FBIના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, એજન્સીની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેન્ડ-લા પાઇન સ્કૂલ્સના સુપરિન્ટેન્ડન્ટ સ્ટીવન કૂકે જણાવ્યું હતું કે, શાળાના લોકો આ ઘટનાથી ઊંડા આઘાતમાં છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.