આદિવાસી સમુદાય માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં વસે છે. તેમની જીવનશૈલી, ખાનપાન, ભાષા, પહેરવેશ, રીત-રિવાજો અને પરંપરાઓ અન્ય સમુદાયોથી અલગ અને વિશિષ્ટ હોય છે. મુખ્યધારાથી અલગ જીવન જીવવાના કારણે આદિવાસી સમુદાય લાંબા સમયથી આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યો છે. તેમના અધિકારો, વિકાસ અને સમૃદ્ધ સંસ્કૃતિના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે 9 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવવામાં આવે છે.
શું છે આદિવાસી દિવસનો ઇતિહાસ !
આદિવાસી સમુદાયોની પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ, ભાષાઓ, લોકપરંપરાઓ અને સાંસ્કૃતિક ઓળખ છે. તેમનો પ્રકૃતિ સાથે ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. જંગલ, પહાડ, જમીન અને જળસ્રોત તેમના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે.પરંતુ સમય સાથે જંગલોનું ઘટતું ક્ષેત્રફળ, કુદરતી સંસાધનો પર વધતું દબાણ અને આધુનિક જીવનશૈલીના વિસ્તરણને કારણે આદિવાસી સમુદાયો સામે પોતાની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાનો પડકાર પણ વધ્યો છે.આદિવાસી સમાજનો પરંપરાગત ખોરાક આજે પણ મોટાભાગે વૃક્ષો, છોડ અને જંગલ સાથે જોડાયેલો છે. તેમના અનેક તહેવારો અને ધાર્મિક પરંપરાઓ પણ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે.
વિશ્વભરમાં આશરે 50 કરોડ આદિવાસી લોકો વસે છે અને તેઓ હજારો અલગ-અલગ ભાષાઓ બોલે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, વિશ્વની આશરે 22 ટકા જમીન પર આદિવાસી સમુદાયો વસે છે. પર્યાવરણ અને જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.આદિવાસી સમુદાયોની ઘણી ભાષાઓ લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે. તેથી તેમની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓના સંરક્ષણની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે.
ભારતમાં પણ મોટી આદિવાસી વસ્તી !
ભારતમાં પણ આદિવાસી સમુદાયોની મોટી વસ્તી વસે છે. ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં વિવિધ આદિવાસી સમુદાયો જોવા મળે છે.
ઝારખંડમાં સંથાલ, મુંડા, ઉરાંવ, હો, ખડિયા, બિરહોર અને પહાડિયા જેવી જનજાતિઓ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ગોંડ, ભીલ, બૈગા, સહરિયા અને કોરકુ જેવા સમુદાયો મોટી સંખ્યામાં વસે છે.ભારતના મુખ્ય આદિવાસી સમુદાયોમાં ગોંડ એક મહત્વપૂર્ણ સમુદાય છે, જે મધ્યપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ વસે છે.આ ઉપરાંત દેશના અલગ-અલગ વિસ્તારોમાં સંથાલ, બંજારા, બિરહોર, ચેરો, હો, ખોંડ, લોહરા, મુંડા, પહાડિયા અને ઉરાંવ સહિત અનેક આદિવાસી સમુદાયો પોતાની પરંપરા અને સાંસ્કૃતિક વારસા સાથે જીવન જીવી રહ્યા છે.
શું છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો હેતુ !
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો હેતુ માત્ર આદિવાસી સંસ્કૃતિની ઉજવણી કરવાનો નથી. પરંતુ તેમના અધિકારો, સન્માન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સામાજિક વિકાસ અને કુદરતી સંસાધનો પરના અધિકાર જેવા મુદ્દાઓ તરફ સરકાર અને સમાજનું ધ્યાન દોરવાનો પણ છે.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે આદિવાસી સમાજની ઓળખ, ભાષા, પરંપરા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના તેમના ગાઢ સંબંધનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે.
