પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે (8 ઓગસ્ટ, 2026) રાત્રે એક ભયાનક દુર્ઘટના થતાં સહેજમાં રહી ગઈ. મલેશિયા એરલાઇન્સની એક ફ્લાઈટ 159 મુસાફરોને લઈને કોલકાતા એરપોર્ટ પર ઉતરાણ કરવાની જ તૈયારીમાં હતી, ત્યારે અચાનક જમીન પરથી આવેલી એક તેજસ્વી લેસર લાઇટે પાયલટની આંખો આંજી દીધી. સદનસીબે પાયલટે ગભરાયા વિના સમયસૂચકતા વાપરી અને 159 લોકોના જીવ બચી ગયા.

મીડિયા રિપોર્ટ્સ અને એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નંબર MH-184 કુઆલાલંપુરથી ઉડાન ભરીને શનિવારે રાત્રે 11:20 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. વિમાન જ્યારે રનવેથી માત્ર 8 નોટિકલ માઇલ દૂર હતું, ત્યારે મધ્યમગ્રામ-બારાસત વિસ્તાર તરફથી આવતું એક તેજસ્વી લેસર બીમ સીધું ફ્લાઈટના કોકપીટ તરફ આવ્યું.

આ અચાનક આવેલી તેજ લેસર લાઇટના કારણે પાયલટની દ્રષ્ટિ ક્ષણભર માટે ખોરવાઈ ગઈ અને તે મૂંઝવણમાં મુકાઈ ગયો. આ પરિસ્થિતિમાં નિર્ધારિત સમયે લેન્ડિંગ કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી, પાયલટે વિમાનને હવામાં જ ચકરાવો લેવડાવવાનો નિર્ણય કર્યો.

પાયલટની સમયસૂચકતા અને 5 મિનિટનો વિલંબ

પાયલટે બીજો લેન્ડિંગનો પ્રયાસ કરતા પહેલા ફ્લાઈટને થોડો સમય હવામાં જ રાખી. લગભગ 5 મિનિટના વિલંબ પછી, રાત્રે 11:25 વાગ્યાની આસપાસ વિમાનને રનવે પર એકદમ સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આ ગંભીર ઘટનામાં ફ્લાઈટમાં સવાર તમામ 159 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.