રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતનો મામલો

ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

રેગિંગ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ

ચાર સિનિયર ડોક્ટરને કરાયા સસ્પેન્ડ

પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરના આપઘાતની ઘટનામાં ચોંકવનારો ખુલાસો થયો હતો,જેમાં પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડો.હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા ચાર સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડોક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે. હવે રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડો.હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રેગિંગની ગંભીર બાબત પ્રકાશમાં આવતા જ કોલેજ અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગમાં સંકળાયેલા તમામ 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો ડો.નિરાલી વસાવે,ડો.અનુજ મહેશ્વરી,ડો.હિના ભૂત, ડો.દીક્ષિતા સેસારિયન ને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ડો.હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે તેના મોબાઈલ ફોન- લેપટોપ કબજે કરીને જરૂરી તપાસ હાથ ધરી છે.