‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે સાંસ્કૃતિક રેલીનું આયોજન
ડીજે પર પ્રતિબંધ મુકવાનો શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય
માર્ગ પર AAPના કાર્યકરો દ્વારા ટ્રાફિક જામ કરવામાં આવ્યો
ચૈતર વસાવાના સમર્થનવાળા પોસ્ટરો સાથે ડીજે લઈ આવ્યા
વિવાદ સર્જાતા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો
પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા
‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક રેલીના આયોજન અને શાંતિપૂર્ણ સંચાલન માટે એક દિવસ અગાઉ શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં આયોજન સમિતિ દ્વારા આ વર્ષની રેલીમાં ડીજે સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડીજેના બદલે બેન્ડ, કેસિઓ, પરંપરાગત વાજિંત્રો, ટીમલી અને લગ્ન-પ્રસંગોમાં ગવાતા સાંસ્કૃતિક ગીતો સાથે રેલીને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આજરોજ દાહોદના ગોધરા રોડ અને ઝાલોદ રોડ પર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનવાળા પોસ્ટરો સાથે ડીજે લઈ આવી ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો.
આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અને સરકારી બસ ફસાઈ જતાં પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન વિવાદ સર્જાતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તો બીજી તરફ, ટોળાને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસે કોમ્બિંગ હાથ ધરી વહેલી તકે હુમલાખોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
