‘મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030’નો લક્ષ્યાંક સાકાર થયો

ભારતે આ લક્ષ્યાંકને સમય કરતાં 5 વર્ષ વહેલાં સિદ્ધ કર્યો

ભારત દેશ 35.4 ટકા વૈશ્વિક હિસ્સા સાથે રહ્યો છે અગ્રેસર

ઐતિહાસિક સિદ્ધિમાં અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ સામેલ

વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ

‘મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030’ ના લક્ષ્યાંકને સમય કરતાં 5 વર્ષ વહેલાં સિદ્ધ કરીને ભારત 35.4 ટકા વૈશ્વિક હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શિપ રિસાઇકલિંગ દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતનું અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું છે.

યુનાઇટેડ નેશન્સની સંસ્થાના અહેવાલ અનુસાર, વર્ષ 2025માં ભારતના જહાજ રિસાઇકલિંગ ક્ષેત્રમાં 60 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જેનાથી જૂના જહાજો તોડીને તેના પુનઃ ઉપયોગની ક્ષમતા 18.6 લાખ ગ્રોસ ટનથી વધીને 29.9 લાખ ગ્રોસ ટન પર પહોંચી ગઈ છે. શિપ રિસાઇકલિંગ એક્ટ-2019 અને 53.5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા આધુનિકીકરણને લીધે આ વૈશ્વિક પરિવર્તન આવ્યું છે. જોકે, આ ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતનું અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડ વૈશ્વિક કેન્દ્રબિંદુ સાબિત થયું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ-અનુકૂળ રિસાઇકલિંગ વ્યવસ્થા અને હોંગકોંગ કન્વેન્શનના માપદંડોનું ચુસ્ત પાલન થવાને કારણે અલંગ હવે યુરોપિયન દેશોના જહાજો માટે પહેલી પસંદ બન્યું છે. અલંગનો આ ઉદ્યોગ વાર્ષિક અંદાજે 10,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર જનરેટ કરે છે, જેમાંથી રાજ્ય સરકારને 1,500 થી 2,000 કરોડ રૂપિયાની મહેસૂલી આવક મળે છે. આ પ્રક્રિયામાં કચરાનું પ્રમાણ માત્ર 0.05 ટકાથી પણ ઓછું હોવાથી આ ક્ષેત્ર ‘વેસ્ટ-ટુ-વેલ્થ’નું એક શ્રેષ્ઠ મોડેલ બન્યું છે. અહીં 15થી 20 હજાર લોકોને સીધી રોજગારી મળે છે, જ્યારે સ્થાનિક સ્તરે સ્ક્રેપ અને સાધનોના વેપારથી હજારો લોકો આજીવિકા મેળવે છે.

જોકે, શ્રમિકો માટે આવાસ, ભોજન, આર્થિક બોનસ અને વાર્ષિક 40 દિવસની સવેતન રજાઓ જેવી ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. અલંગના 115 શિપ રિસાઇકલિંગ યાર્ડ આજે દેશના અનેક આનુષંગિક ઉદ્યોગોને લોખંડી આધાર પૂરો પાડી રહ્યા છે. ગ્રીન અને સેફ રિસાઇકલિંગ ક્ષમતાના આ સતત વિસ્તારથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ નકશા પર અગ્રેસર રહ્યું છે, જે ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ ટકાઉ વિકાસનું એક સશક્ત કદમ છે.