સુરત જિલ્લાના ઉત્રાણ વિસ્તારમાંથી રહેણાંક મકાનોની બહાર અથવા ગેલેરીમાં રાખેલા મોંઘા બુટની ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં અને સોસાયટીઓમાં મોંઘા બુટ-ચંપલ ચોરી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે સુરત જિલ્લાના ઉત્રાણ વિસ્તારમાંથી પણ મોંઘા બુટની ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉત્રાણ શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાંથી રાત્રી દરમ્યાન 3 થેલા ભરી તસ્કરે મોંઘાડાટ બુટની બિન્દાસ ચોરી કરી હતી. જોકે, જુતા ચોરીની સમગ્ર ઘટના બિલ્ડીંગ પરિસરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જુત્તા ચોર એપાર્ટમેન્ટમાં મકાનોની બહાર રાખેલા મોંઘા બુટની ચોરી કરતો સ્પષ્ટ જોવા મળે છે. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં CCTV ફૂટેજના આધારે આરોપી રેહાન શેખને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 20 હજારની કિંમતના 25 જોડી બુટ જપ્ત કર્યા છે. આ આરોપી છેલ્લા 2 અઠવાડિયાથી ઉત્રાણ વિસ્તારમાં મોંઘા બુટની ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે આરોપીની સઘન પૂછપરછ સાથે આગળની તપાસ ચલાવી છે.
