ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી બે દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી બે દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કાનવ ધોરણ-8માં અભ્યાસ કરતો હતો.કાનવ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન નેશનલ હાઇવે-48 પર ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી. સાયકલ મળતાં બાળક નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.આ આશંકાને પગલે ફાયર વિભાગની ટીમે સતત બે દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરી હતી.હવે નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.