દેશભરમાં લાગુ કરવામાં આવેલ ફાસ્ટટેગ ફરજીયાતના નિયમને પહેલી જાન્યુઆરીના બદલે હવે 15 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાતથી વાહન ચાલકોને વધુ 45 દિવસની મોહલત મળી છે.
2021ના નવા વર્ષથી વાહન ચાલકો માટે ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ ફરજીયાત કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાસ્ટટેગ ફરજીયાત થતાં ટોલબૂથ નજીકના સ્થાનિક વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. ભરુચ સહિતના ટોલ પ્લાઝા નજીકના જિલ્લાઓમાં સ્થાનિક રાજકીય નેતાઓએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે માત્ર એક દિવસ પહેલાં જ ફાસ્ટટેગને 15 મી ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. જેને લઈને વાહન ચાલકોને ફાસ્ટટેગ લગાવવામાં વધુ 45 દિવસની સમયમર્યાદા મળી છે.
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના આગેવાનો દ્વારા મૂલદ ટોલ પ્લાઝા પર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. જો કે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનોએ સરકાર તેમજ નેશનલ હાઇવે ઔથોરિટીને રાજુઆત કરી હતી. જે બાબતે તંત્ર દ્વારા 15 ફેબ્રુઆરી સુધીની રાહત આપવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. જેના પર પ્રતિક્રિયા આપતા શેરખાન પઠાણે GJ 16 ની તમામ ગાડીઓને સંપૂર્ણ કરમાફીની માંગ કરાઇ છે. અવધિ નહીં પરંતુ ટોલ માફી આપવામાં આવે તેમ જણાવી જો 15 ફેબ્રુઆરી બાદ પણ જો ટોલ ઉઘરાવવામાં આવશે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
