દક્ષિણ મુંબઈમાં ગણેશ મૂર્તિ પડી જતાં બે લોકોના મોત અને અન્ય ઘાયલ થયા. ઘાયલોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. મૂર્તિને સ્થાપના માટે પંડાલમાં લઈ જવામાં આવી રહી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બલરામ મર્ચન્ટ રોડ પર, ભુલેશ્વરના કબુતરખાના અને જય અંબે ચોક પાસે બની હતી. ગંભીર ઈજાઓને કારણે બે વ્યક્તિઓના મોત થયા હતા. ઘટના બાદ, મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને મ્યુનિસિપલ વોર્ડ સ્ટાફને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ મૃતકોની ઓળખ સંકેત નેવશે અને બ્રિજેશ હેમંત જોશી તરીકે કરી છે. ઘાયલ થયેલા પાંચ વ્યક્તિઓની ઓળખ વૈભવ ઘેનંદ, પવન ચૌરસિયા, લાવણ્યા ગણેર, દિવ્યા ગણેર અને કુણાલ કાશીદ તરીકે કરવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે.

10 દિવસનો ગણેશોત્સવ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ઉજવાતા સૌથી મોટા અને ભવ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર દરમિયાન, ભગવાન ગણપતિની મૂર્તિઓ પંડાલો અને ઘરોમાં સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. એક દાયકાથી વધુ સમયથી, મુંબઈમાં મૂર્તિઓ લાવવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.