વલસાડમાં વશિયર બ્રિજના નિર્માણ અને લોકપ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેઠા હતા,જોકે 10 દિવસથી ચાલતી ભૂખ હડતાળમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની વિનંતી અને ખાતરી બાદ ભૂખ હડતાળ સમેટી લેવામાં આવી હતી.

વલસાડમાં છેલ્લા 10 દિવસથી ચાલતી ભૂખ હડતાળને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે.વશિયર બ્રિજના નિર્માણ અને લોકપ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તા રાહીલ શૈખ અને મિત દેસાઈ ભૂખ હડતાળ પર બેઠા હતા. જોકે, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની વિનંતી અને ખાતરી બાદ આ ભૂખ હડતાળ સમેટી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વશિયર બ્રિજના વિવાદિત મુદ્દાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા છેલ્લા 10 દિવસથી અવિરત આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ તબક્કે સ્થળ પર પહોંચેલા નેતા તુષાર ચૌધરીએ કાર્યકર્તાઓને બાહેંધરી આપી છે કે, કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને માત્ર રસ્તા પર જ નહીં પરંતુ ગુજરાત વિધાનસભાના ગૃહમાં પણ આક્રમક રીતે ઉઠાવશે. આ સિવાય, આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવશે તેવી પ્રદેશ નેતૃત્વ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

ભૂખ હડતાળ સમેટાયા બાદ કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પાર્ટી અનેક જ્વલંત મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન છેડશે. રાજ્યમાં લઠ્ઠાકાંડ અને કાગળ પર રહી ગયેલી દારૂબંધી સામે કોંગ્રેસ આક્રમક રજૂઆતો કરશે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને જ્યાં મંગાવો ત્યાં દારૂ સહેલાઈથી મળી જાય છે.

વિધાનસભાથી લઈને હાઇકોર્ટ સુધી લડત આપવાની ખાતરી મળ્યા બાદ યુથ કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સમેટ્યું છે, પરંતુ કોંગ્રેસના આક્રમક તેવર બતાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાવાનું છે.