કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેર માંથી કાઢવામાં આવી નથી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાના શક્યતાને પગલે તંત્ર સતર્ક થયુ છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. અલકાયદા દ્વારા આપવામાં આવેલ હુમલાની ધમકી ને લઈને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાબદું બન્યું છે. તેવા સંજોગો વચ્ચે આજે અમદાવાદમાંથી 7 બાંગ્લાદેશી નાગરિકો ની sog પોલીસ ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં કોરોના કાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉજવાશે. આ રથયાત્રાના આયોજનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષસ્થાને અગાઉ બેઠક યોજાઇ હતી. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે બાતમીના આધારે 7 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરી લીધી હતી. આ સાતેય શખ્સો ગેરકાયદે ભારતમાં ઘૂસી અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે આ તમામ શખ્સો ને દબોચી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. આ લોકોને ભારતમાં કોની મદદથી આવ્યા હતા અને ભારતમાં કોની મદદે રહ્યા અને ક્યારથી રહે છે આ તમામ બાબતો પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
