ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી Little Miracle Pre-school દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘરની મુલાકાત લઈ ત્યાં રહેતા વડીલોને પ્રેમ અને સ્નેહપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી.આ પ્રસંગે બાળકો અને વડીલો વચ્ચે લાગણીસભર મુલાકાત યોજાઈ હતી.

વડીલોએ બાળકોને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. બાળકોને માત્ર તહેવારની ઉજવણી કરાવવાનો જ નહીં, પરંતુ સંબંધો, પ્રેમ, સન્માન અને માનવતાનું મહત્વ સમજાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વડીલો સાથેનો આ સમય બાળકો તેમજ વડીલો માટે આનંદદાયક રહ્યો હતો અને રક્ષાબંધનની આ ઉજવણી સૌ માટે યાદગાર બની હતી.