ઉત્તરાખંડના હલ્દવાનીની રહેવાસી રેણુ ધારિયાલે મહિલાઓમાં જીવિત વ્યક્તિના સૌથી લાંબા વાળનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમના વાળની લંબાઈ 271.50 સેમી એટલે કે 8 ફૂટ 10 ઈંચ નોંધાઈ છે. આ રેકોર્ડની સત્તાવાર ચકાસણી એપ્રિલમાં હલ્દવાની, ઉત્તરાખંડમાં કરવામાં આવી હતી.

રેણુના કાળા, લાંબા વાળની લંબાઈ વિશ્વના અત્યાર સુધીના સૌથી ઊંચા વ્યક્તિ રોબર્ટ વાડલોની ઊંચાઈ 272 સેમી કરતા પણ માત્ર થોડા સેન્ટિમીટર ઓછી છે.રેણુએ યુક્રેનની અલિયા નાસિરોવાનો રેકોર્ડ તોડ્યો છે. અલિયાના વાળની લંબાઈ 257.33 સેમી એટલે કે 8 ફૂટ 5.3 ઈંચ હતી.
રેણુ વ્યવસાયે કન્ટેન્ટ ક્રિએટર અને YouTuber છે અને મહિલાઓ સાથે બ્યુટી ટિપ્સ પણ શેર કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ 2015થી સતત વાળ વધારી રહ્યાં છે અને ત્યારથી એક વખત પણ વાળ કપાવ્યા નથી.
રેણુના જણાવ્યા અનુસાર, ભારતીય સંસ્કૃતિમાં લાંબા વાળને સુંદરતા અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. આ માન્યતાથી પ્રેરાઈને તેમણે પોતાના વાળને આટલા લાંબા કરવાનો નિર્ણય લીધો હતો.
