વડોદરા શહેરમાં SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના અને છેલ્લા 28 વર્ષથી વડોદરા SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા પ્રવીણ બારીયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાયફલ વડે લમણે ગોળી મારી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારનું કહેવું છે કે, તેઓ છેલ્લા 13-14 વર્ષથી બીમારીથી પીડાય રહ્યા હતા. જેથી બીમાર હોવાના કારણે તેઓએ આ અંતિમ પગલું ભર્યું હશે તેવું પ્રાથમિક તારણ છે. જોકે, આ આત્મહત્યા કયા કારણોસર કરી છે, તેનું સાચું કારણ અકબંધ છે. હાલમાં પરિવારમાં પત્ની અને 3 સંતાન નિરાધાર બન્યા છે. પોતાના ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં છે. આ મામલે પોલીસ દ્વારા SRP જવાનના મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામ ખાતે કરાશે.
