સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. તો બીજી તરફ, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમમાંથી 15 લાખ 44 હજાર ક્યુસેક પાણી છોડાતાં ભરૂચ નર્મદા વડોદરાના 97 ગામોને એલર્ટ કરી દેવાયા છે એટલે કે, નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે.
ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર પણ રાત્રી દરમિયાન 36 ફૂટની સપાટી વટાવવાની શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોનું સર્વે કરી અધિકારીઓ સહિતની ટીમને એલર્ટ મોડ પર મુકવામાં આવ્યા છે. આ સાથે જ નદી કાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
