ભરૂચ: હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. ગુજરાત , સમાચાર, Featured
ભરૂચ જિલ્લાના હાંસોટ થી 17 કિમી દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઇ છે.વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે.આ ગામમાં વમળનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ,રત્નેશ્વર મહાદેવ,ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ પાંચ મંદિરોમાં સૌથી પ્રચીન વમળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમળનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભુ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમળનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા,ભક્તો આ વમળનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શીવલીંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમળનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે.
સમય જતા ગ્રામજનોએ વમળનાથ મહાદેવ મંદિરનો જીણોધ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે,આ મંદિરની બાજુમાં માઁ નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે.ત્યારે દૂર દૂર થી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે,અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદગમ સ્થાન અમરકંટક થી પ્રથમ ચરણની શરુ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમળનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે. અને રેવા સંગમ તીર્થ સ્થાન થી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે.અને ત્યાં થી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરુ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખો ની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. જેઓ ને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પુરી પાડે છે, ત્યારે વમળનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
