યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે જુલાઈમાં ઇસ્તંબુલમાં વાતચીત પછી, યુક્રેન અને રશિયા 1,200 કેદીઓની આપ-લે કરવા સંમત થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “1,200 કેદીઓની આપ-લે માટે એક કરાર થયો છે.” ઝેલેન્સકીએ કહ્યું કે આપ-લે કરવા માટે વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેથી “આપણા સામાન્ય નાગરિકો પાછા આવી શકે”.
રશિયન અધિકારીઓએ જણાવ્યું કે સોચી નજીક તેલ ડેપો પર યુક્રેનના ડ્રોન હુમલાથી ભારે આગ લાગી. ક્રાસ્નોદર પ્રદેશના ગવર્નર વેનિઆમિન કોન્ડ્રેટેવે ‘X પર જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ પડ્યો હતો અને તેના કારણે ઇંધણ ટાંકીમાં ભારે આગ લાગી હતી, જેને બુઝાવવા માટે 120 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ઘટનાના વીડિયોમાં તેલ ડેપો ઉપર ધુમાડાના મોટા વાદળો ઉડતા જોવા મળ્યા હતા. રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળા રોસાવિઆત્સિયાએ સોચી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
દરમિયાન, વોરોનેઝ પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રવિવાર રાત સુધીમાં રશિયા અને કાળા સમુદ્ર ઉપર 93 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. દરમિયાન, રશિયાએ દક્ષિણ યુક્રેનના માયકોલાઈવ શહેરમાં એક રહેણાંક વિસ્તાર પર મિસાઇલથી હુમલો કર્યો હતો, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. યુક્રેનિયન વાયુસેનાએ રવિવારે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેન પર 76 ડ્રોન અને સાત મિસાઇલ છોડ્યા હતા.
