-
મિડલ ઇસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ
-
ગેસની સપ્લાય પર થઇ અસર
-
ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને આપી સૂચના
-
સપ્લાય પર 50 ટકા સુધી કાપ મુકાશે
-
ઉદ્યોગના ઉત્પાદન પર થશે અસર
મિડલ ઇસ્ટમાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે ઔદ્યોગિક એકમોમાં ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસ સપ્લાય પર ઘટાડાની શક્યતા ઉભી થઇ છે જેની અસર સીધી ઉત્પાદન પર જોવા મળી શકે છે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઉભી થઈ છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલાયેલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવાની સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેનાથી Strait of Hormuz વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઉભો થવાને કારણે LNG સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનો પરિવહન થાય છે, તેથી તેમાં અવરોધ થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે.
આ પરિસ્થિતિને કારણે ભારતમાં LNG આયાતમાં વિક્ષેપ આવ્યો છે અને ઘણા ઉદ્યોગોને ગેસ સપ્લાય ઘટાડવાની શક્યતા ઊભી થઈ છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર પડશે. ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ વધવાની સાથે પ્રોડક્શન ઘટાડવાની પણ શક્યતા છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ ઉદ્યોગકારોને ગેસ કંપનીની ગાઈડલાઇન મુજબ ગેસનો ઉપયોગ કરવા અને મિનિમમ ક્વોન્ટિટી બુકિંગની શરતોનું પાલન કરવા અપીલ કરી છે. જો સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ઔદ્યોગિક ઉત્પાદન પર પણ તેની અસર જોવા મળી શકે છે.
