સોના અને ચાંદીના ભાવમાં અચાનક નોંધાયેલા મોટા ઘટાડાએ બજારમાં ચકચાર મચાવી છે. એક જ દિવસમાં કિંમતોમાં થયેલા આ કડાકાને કારણે સામાન્ય લોકો માટે ખુશીના સમાચાર છે પણ રોકાણકારો અને વેપારીઓમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને આર્થિક પરિસ્થિતિઓની સીધી અસર ભારતીય બજારમાં જોવા મળી રહી છે.
તાજેતરમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 6000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાતા બજારમાં હલચલ મચી છે. હાલ એક કિલો ચાંદીનો ભાવ અંદાજે 2 લાખ 38 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. આટલો મોટો ઘટાડો સામાન્ય રીતે ઓછો જોવા મળે છે. જેના કારણે રોકાણકારો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં ઘટાડો અને આર્થિક અસ્થિરતા જવાબદાર માનવામાં આવે છે.ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાના દરમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 1195 થી લઈને 2000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલ સોનાનો ભાવ લગભગ 1 લાખ 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. આ ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ઘણા લોકો સોનાને સુરક્ષિત રોકાણ તરીકે માને છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોલરની મજબૂતી અને વ્યાજદરના ફેરફારો જેવા પરિબળો આ ઘટાડા માટે જવાબદાર ગણાય છે.
