ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ચીંગસપુરા રાણા સ્ટ્રીટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે લાકડાથી બનેલું મકાન થોડા જ સમયમાં આગની લપેટમાં આવી સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગયું.

પ્રાથમિક માહિતી મુજબ, આ આગ ગેસ સિલિન્ડર લીક થવાના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
મકાનના માલિક ડાયાભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોટાપાયે માલમત્તાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા જ નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર બ્રિગેડના ત્રણ ટેન્ડરો દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
