ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે, તેનો તાદ્રશ્ય નજારો ઝઘડીયા ખાતે જોવા મળ્યો હતો.
ઝઘડીયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફ્લિંગ દરમ્યાન અચાનક ક્લાસ એ સોલવંટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ લોકલ ક્રાઇસીસ ગ્રુપ ઝઘડીયા દ્વારા ઓફ-સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ’ યોજાઈ હતી. જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ (MAH) ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાસિસ ગૃપ ઝઘડીયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આરતી ઇન્ડસ્ટ્રીઝના રૂબી યુનિટ ઝોન બે ખાતે પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફ્લિંગ દરમ્યાન અચાનક લીકેજ થયેલા સોલ્વન્ટમાં કોઈ અજાણ્યા સોર્સથી આગ પકડી લીધી જેને કંટ્રોલ કરવા પોર્ટેબલ ફાયર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો. આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો.મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી ડૉ. પંકજ વલવાઈ એ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.
