-
સુરતના અંતરિયાળ ગામથી સરહદ સુધીની સફર
-
ઉમરપાડામાં તૈયાર થઈ રહી છે આદિવાસી સૈન્ય અધિકારીઓની નવી પેઢી
-
આદિવાસી બાળકોના સપનાને મળી નવી પાંખો
-
નિ:શુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ સાથે દેશસેવાનું નવું સરનામું
-
20 એકરમાં ફેલાયેલું વાડીનું સૈનિક સ્કૂલ કેમ્પસ ગુંજશે દેશભક્તિના નાદથી
સુરતના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વાડી ગામના આદિવાસી સંતાનો હવે દેશની સરહદોના રક્ષક બનવા સજ્જ થયા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ સૈનિક સ્કૂલમાં વનબંધુઓના દીકરા-દીકરીઓને ધોરણ 6 થી 12 સુધીનું નિ:શુલ્ક શિક્ષણ અને લશ્કરી તાલીમ આપી, દેશના ભાવિ સૈન્ય અધિકારી તરીકે ઘડવામાં આવે છે.
સુરતના વાડી ગામના મેદાનમાં વહેલી સવારે ગુંજતો કદમતાલનો અવાજ, આદિવાસી વિસ્તારના બદલાતા ચિત્રની સાક્ષી પૂરે છે. અહીં ખાખી વર્દીમાં સજ્જ વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ સેનાના શિસ્તબદ્ધ જીવનના પાઠ પણ આત્મસાત કરી રહ્યા છે. આ તાલીમનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારના તેજસ્વી તારલાઓને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવી, દેશના શ્રેષ્ઠ સૈનિક અને રમતવીર તરીકે તૈયાર કરવાનો છે.રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્મિત 20 એકરના આ અદ્યતન કેમ્પસમાં શિસ્ત અને દેશભક્તિના પાઠ ભણી રહેલા આ બાળકોના સપના હવે ભારતીય સેનામાં જોડાઇ દેશસેવા કરવાના છે.
હાલ અહીં અંદાજે 372 વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 80 હજારની ગ્રાન્ટ ફાળવીને શિક્ષણથી લઈ રહેવા-જમવા સુધીની તમામ વ્યવસ્થા મફત પૂરી પાડે છે. ‘સાવધાન-વિશ્રામ‘ અને ‘ફ્લેગ માર્ચિંગ‘ જેવી પરેડ આ બાળકોના જીવનમાં શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું વાવેતર કરી રહી છે.
નિવૃત્ત લશ્કરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મળતી વિશિષ્ટ તાલીમ આ યુવાનો માટે સેનામાં ભરતી થવાનો માર્ગ મોકળો કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સૈનિક સ્કૂલ આદિવાસી બાળકોને રાષ્ટ્ર રક્ષાના મિશન માટે તૈયાર કરી રહી છે. જંગલના આ સંતાનો હવે આકાશ આંબવા અને દેશની સરહદો સાચવવા સંપૂર્ણ રીતે સજ્જ છે.
